પરેશ ગોસ્વામીની આગાહી: બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવા છતાં ગુજરાત સુધી કેમ વરસાદ નથી પહોંચતો, શું ચોમાસું જલ્દી વિદાય લેશે?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ઓગસ્ટના સૂકા ચોમાસા પાછળ અલ નીનો, આરબ પવનો અને સોમાલિયન જેટને જવાબદાર ઠેરવ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાની અને ચોમાસું 10 ઓક્ટોબર સુધી લંબાવાની આશા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 30 Aug 2026 10:02 PM (IST)Updated: Sun, 30 Aug 2026 10:02 PM (IST)
why-gujarat-is-facing-dry-august-monsoon-update-and-rain-forecast-by-paresh-goswami

Paresh Goswami Gujarat Monsoon Update: ગુજરાતમાં આ વર્ષો ચોમાસામાં ભારે વિષમતા જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં અને જુલાઈના અંતમાં ધોધમાર વરસાદના રાઉન્ડ બાદ મેઘરાજા આરામ પર ઉતરી ગયા હોય તેમ ઓગસ્ટ મહિનામાં સાવ નહીવત વરસાદ પડ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આખો ઓગસ્ટ મહિનો વરસાદની દ્રષ્ટિએ કોરોધાકોર રહેવા પાછળ જાણીતા હવામાન નિષ્ણાંતે અલ નીનોની અસરને જવાબદાર ઠેરવી છે.

આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચાલું વર્ષે ઓગસ્ટ મહિનો છેલ્લા 12 વર્ષની સરખામણીમાં સૌથી નબળો સાબિત થયો છે. બંગાળની ખાડીમાં વારંવાર વરસાદી સિસ્ટમો બનવા છતાં ગુજરાતને તેનો પૂરતો લાભ મળી રહ્યો નથી.

આ પરિસ્થિતિ પાછળ અલ નીનો, આરબના ગરમ પવનો અને સોમાલિયન જેટ જેવા વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. જો કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મેઘરાજાના નવા રાઉન્ડ સાથે ખેડૂતો માટે આશાનું નવું કિરણ જાગ્યું છે.

અલ નીનોની અસર અને આરબના ગરમ પવનો અડચણરૂપ

હવામાન ચાર્ટ અને ગ્લોબલ મોડેલ્સ અનુસાર, ચોમાસા અને હવામાનનો સંપૂર્ણ ખેલ તાપમાન અને પવનોની દિશા પર આધારિત હોય છે, પરંતુ આ વર્ષે આ ખેલ ઊંધો પડ્યો છે. ભારતની પૂર્વ દિશાએ આવેલા પ્રશાંત મહાસાગરનું તાપમાન અત્યારે સામાન્ય કરતાં ઊંચું છે, જેને વૈશ્વિક પરિભાષામાં ‘અલ નીનો’ કહેવામાં આવે છે

આ ઊંચા તાપમાનને લીધે પ્રશાંત મહાસાગર ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ જ કારણે બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી ઉઠતો ભેજ પણ પૂર્વ તરફ ખેંચાઈ રહ્યો છે અને પશ્ચિમ ભારતમાં સિસ્ટમો કાં તો બનતી નથી, અથવા નબળી સાબિત થઈ રહી છે

ચાલુ ચોમાસામાં ગુજરાતને સૌથી વધુ નુકસાન આરબ દેશોમાંથી આવતા પવનોએ પહોંચાડ્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાક તરફથી આવતા આરબના ગરમ પવનો અત્યારે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના વિસ્તારો પર સીધી અસર કરી રહ્યા છે.

સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ પશ્ચિમ દિશામાં આગળ વધવી જોઈએ, પરંતુ આ ગરમ અને સૂકા પવનો સિસ્ટમોને ઉત્તર તરફ ધકેલી દે છે, જેથી ગુજરાત વરસાદના લાભથી વંચિત રહી જાય છે


સોમાલિયન જેટ પવનોનું પલાયન

સોમાલિયન જેટ (પૂર્વ આફ્રિકાના સોમાલિયા, ઇથોપિયા અને કેન્યાથી આવતા પવનો) જ્યારે ભારતને ટેકો આપે છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડે છે. આ વર્ષે આ પવનો અરબ સાગર ઓળંગ્યા બાદ ભારત તરફ આવવાના બદલે પ્રશાંત મહાસાગર તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે.

આ પવનો મ્યાનમાર, થાઈલેન્ડ, વિયતનામ અને ફિલિપાઈન્સ થઈને જાપાન-ઓસ્ટ્રેલિયા તરફ જતા હોવાથી અરબ સાગરમાં જોઇએ તેવી મજબૂત સિસ્ટમો બની શકતી નથી. જો અરબ સાગરમાં સિસ્ટમ મજબૂત બને તો જ ગુજરાતને વ્યાપક વરસાદનો લાભ મળી શકે તેમ છે.

6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે આશાસ્પદ વરસાદી રાઉન્ડની સંભાવના

હાલમાં હવામાનના બદલાતા ચિત્ર વચ્ચે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જો આગામી દિવસોમાં અન્ય પૂરક પરિબળો સાનુકૂળ સાથ આપશે, તો આ સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરીને ગુજરાતમાં આગામી 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો સારો રાઉન્ડ લાવી શકે છે.

જો કે આ સિસ્ટમ હજુ ગુજરાતથી ઘણી દૂર હોવાથી જો પવનો સાનુકૂળ નહીં રહે તો તે ફંટાઈ જવાની શક્યતા પણ નકારી શકાય નહીં. આ સિવાય ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) પોઝિટિવ હોવાથી આગામી સમયમાં થોડો સપોર્ટ મળવાની આશા છે.


10 ઓક્ટોબર સુધી ચોમાસું લંબાશે: શિયાળુ પાક માટે આશા

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ઘણા લોકોને ચિંતા છે કે ઓગસ્ટ કોરો ગયો હોવાથી ચોમાસું વિદાય લઈ લેશે. જો કે હવામાનના ચાર્ટ અનુસાર હજુ ચોમાસાની વિદાયના કોઈ સંકેતો નથી. પવનની ચક્રાકાર ગતિ હજુ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે, જે લો-પ્રેશર દર્શાવે છે. હાઈ પ્રેશર ઊભું થયા બાદ જ ચોમાસાની વિદાય થતી હોય છે.

આગામી 15 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ગંગાનગરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે, પરંતુ તેને ઓલ ઓવર ગુજરાતમાંથી વિદાય લેતા લેતા 10 ઓક્ટોબર સુધીનો સમય લાગી જશે.

ખેડૂતો માટે ચિંતાની વાત એ છે કે, ઓગસ્ટ કોરો જવાથી ચોમાસુ (ખરીફ) પાકને મોટું નુકસાન થયું છે અથવા નિષ્ફળતા મળી છે જો સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં વરસાદના બે થી ત્રણ સારા રાઉન્ડ આવી જાય અને પાણીની પૂરતી વ્યવસ્થા થઈ જાય, તો શિયાળુ (રવી) પાકનું વાવેતર કરીને ખેડૂતો આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકશે.