પરેશ ગોસ્વામીની આગાહીઃ 26 ઓગસ્ટથી મેઘરાજાનો મજબૂત રાઉન્ડ, 11 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે

Paresh Goswami Gujarat Weather Update: આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનો મજબૂત રાઉન્ડ આવશે. આ રાઉન્ડથી પાણીની તંગી દૂર થશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 12:00 AM (IST)Updated: Thu, 20 Aug 2026 12:00 AM (IST)
gujarat-weather-update-expert-paresh-goswami-predicts-major-rain-round-from-august-26

Paresh Goswami Gujarat Weather Update: ગુજરાતમાં અડધુ ચોમાસું વીતી ચૂક્યું છે, ત્યારે હજુ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની ભારે ઘટને પગલે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો છે.

છેલ્લા કેટલાક દિવસથી પવનની ગતિમાં વધારો થવા સાથે તાપમાન પણ ઊંચકાયું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે.

બંગાળની ખાડી અને અરબ સાગરમાં હલચલ છતાં ગુજરાતમાં વરસાદ નહીં

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુજરાતમાં પશ્ચિમ દિશા તરફથી 19 થી 24 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવનો અરબ સાગર તરફથી ભેજ લઈને આવી રહ્યા છે, પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. અત્યારે સરેરાશ તાપમાન 28 થી 31 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે.

આમ અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર એમ બન્નેમાં હલચલ હોવા છતાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી.આમ છતાં આવનારા દિવસોમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે. અત્યારે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતમાં માત્ર છૂટાછવાયા વાદળો જ જોવા મળી રહ્યા છે. આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી, માત્ર હળવા ઝાપટા જ પડી શકે છે.


26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો મજબૂત રાઉન્ડ રહેશે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 22 ઓગસ્ટથી બંગાળની ખાડી સક્રિય થશે. જેની અસરના કારણે ગુજરાતના ફરીથી વરસાદી માહોલ જામશે. ખાસ કરીને 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાનના 11 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનો એક મજબૂત રાઉન્ડ આવવાની પુરેપુરી સંભાવના છે. આ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

અત્યારે ચોમાસું વિદાય લે તેવી કોઈ શક્યતા નથી જણાતી. સપ્ટેમ્બર મહિનો પણ વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહી શકે છે. અત્યાર સુધીમાં સિઝનનો કુલ 58 ટકા વરસાદ નોંધાયો છે. જે આવનારા દિવસોમાં વધીને 90 થી 93 ટકા સુધી પહોંચી શકે છે. એટલે કે હજુ પણ 42 થી 45 ટકા જેટલો વરસાદ પડવાનો હજુ બાકી છે. આથી આવનારો વરસાદી રાઉન્ડ પાણીની તંગી જરૂર દૂર કરશે અને શિયાળુ તેમજ ઉનાળુ પાક માટે પુરતી વ્યવસ્થા કરી આપશે.