Weather Expert Paresh Goswami Predict Gujarat Rain Forecast: અષાઢ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. જો કે છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી સર્જ્યા બાદ હવે મેઘરાજા મધ્ય અને ઉત્તર ગુજરાત ભણી નજર દોડાવી હોય તેમ લાગી રહ્યું છે.જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને રાહતરૂપ આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ જોખમ યથાવત
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, ઉમરપાડા અને કપરાડા જેવા વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિસ્તારોમાં 35 થી 44 ઇંચ જેટલો અધધ વરસાદ નોંધાયો છે. આજે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે.
એવામાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી અને તાપીમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ જોખમ હજુ ટળ્યું નથી.
ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા માટે 72 કલાક અતિભારે
હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આગામી 72 કલાક એટલે કે આવનારા 3 દિવસ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, આણંદ, ખેડા ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદનો સ્પેલ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. જો કે હવે ધીમે-ધીમી સ્થિતિ બદલાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દ્વારકા જેવા જિલ્લામાં 90 ટકા ભાગોમાં હજુ વરસાદના અભાવે વાવણી નથી થઈ. જો કે શિયર ઝોન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 31 જુલાઈ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અઢીથી 4 ઈંચ સુધી વાવણીલાયક વરસાદ થઈ શકે છે. આવી જ રીતે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક મધ્યમ વરસાદ વરસી શકે છે, જે વાવણી માટે અનુકુળ રહેશે.
ગુજરાતનો કોઈ તાલુકો વરસાદથી બાકાત નહીં રહે
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે વાતાવરણમાં શિયર ઝોન અને મજબૂત લો-પ્રેશર સિસ્ટમ જેવા તમામ પરિબળો સક્રિય છે. આથી વરસાદના આઆ સાર્વત્રિક રાઉન્ડમાં ગુજરાતનો કોઈ પણ તાલુકો બાકાત નહીં રહે અને આવનારી 31 જુલાઈ સુધી વરસાદી માહોલ રાબેતા મુજબ ચાલુ રહેશે.
