Ahmedabad Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 25 જુલાઈ સુધી અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી મેઘરાજાએ શહેરને બાનમાં લીધુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં સતત પડી રહેલા વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, 23 જુલાઈ, 2026ના રોજ રાત્રે 9:00 વાગ્યા સુધીમાં શહેરમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 374.88 mm (14.84 inch) નોંધાયો છે.
જો આજે પડેલા વરસાદની વિગતો જોઈએ તો, સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં શહેરમાં 278 મિ.મી (10.9 ઈંચ) ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે, સાંજે 6 થી રાતે 10 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન જ વીજળીના કડાકા-ભડાકા સાથે 150 મિ.મી (5.9 ઈંચ) વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે પાણીના નિકાલ બાદ ખોલવામાં આવેલા અમદાવાદના 11 જેટલા અંડર બ્રિજો ફરીથી વાહનવ્યહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.
બાકરોલ-સરખેજ જળબંબોળ, શહેરનો પોશ વિસ્તાર પાણીમાં
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો, બકરોલ વિસ્તારમાં સૌથી વધુ 440.50 mm (17.34 inch) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સરખેજમાં 426.50 mm (16.79 inch), બોપલમાં 403.50 mm (15.89 inch) અને જોધપુરમાં 385.50 mm (15.18 inch) વરસાદ પડ્યો છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં બોડકદેવમાં 370.50 mm અને થલતેજમાં 360.00 mm વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન, સેટેલાઈટ, બોડકદેવ, પ્રહલાદનગર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
અમદાવાદના વિવિધ ઝોનની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ પશ્ચિમ ઝોન 531.20 mm વરસાદ સાથે મોખરે છે. જે બાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 468.68 mm, પશ્ચિમ ઝોનમાં 401.28 mm અને મધ્ય ઝોનમાં 393.91 mm વરસાદ નોંધાયો છે. ઉત્તર ઝોનમાં 274.20 mm અને પૂર્વ ઝોનમાં 235.65 mm વરસાદ નોંધાયો છે.
વાસણા બેરેજના 20 દરવાજા ખોલાયા અને 11 અંડરપાસ બંધ
ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજનું જળસ્તર 124.25 ફૂટે પહોંચ્યું છે, જેના કારણે બેરેજના 20 દરવાજા ખોલવાની ફરજ પડી છે. શહેરમાં જળબંબોળની સ્થિતિને જોતા વાહનચાલકોની સલામતી માટે મકરબા, અખબારનગર, મીઠાખળી, પરિમલ, શાહીબાગ, ઉસ્માનપુરા અને નિર્ણયનગર સહિત કુલ 11 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.
તંત્રને મળી 168 પાણી ભરાવાની ફરિયાદો ભારે વરસાદના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં ફરિયાદોનો ધોધ છૂટ્યો હતો. જેમાં સૌથી વધુ પાણી ભરાવા અંગેની 168 ફરિયાદો મળી છે. આ ઉપરાંત ઝાડ પડવાની 10 ફરિયાદો, ભયજનક મકાનો અંગેની 6 ફરિયાદો અને રોડ સેટલમેન્ટની 2 ફરિયાદો નોંધાઈ છે.
તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 1139 સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને 129 ડિટિચિંગ મંડળીઓ તેમજ વરુણ પંપ જેવી આધુનિક મશીનરી દ્વારા પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
વેજલપુરમાં વરસાદી પાણી વચ્ચે ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ
ભારે વરસાદ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્વરિત અને સંકલિત કામગીરી જોવા મળી હતી. શહેરના વેજલપુરના બકેરી સિટી નજીક વરસાદી પાણીમાં ફસાયેલી એ-વન સ્કૂલની બસમાંથી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
આંબાવાડીમાં બિલ્ડિંગની દીવાલ ધરાશાયી: 20 લોકોનું સફળ રેસ્ક્યુ
ભારે વરસાદને કારણે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં (વિશ્વરૂપ સોસાયટી નજીક) નિર્માણાધીન બિલ્ડિંગના C-1 બ્લોકની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરીને ફસાયેલા આશરે ૨૦ જેટલા લોકોને સહીસલામત બચાવી લીધા છે.
સ્થળ પર ચીફ ફાયર ઓફિસર દ્વારા રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વધુ તપાસ તેમજ માળખાકીય સલામતી માટે AMC એસ્ટેટ તથા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે. આપત્તિના સમયે તંત્ર સંપૂર્ણ સતર્ક છે.
