અમદાવાદમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો, માત્ર 26 દિવસમાં સરેરાશ 35.60 ઈંચ; જાણો અચાનક ઝાપટા થવાનું કારણ

અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે સિઝનનો સરેરાશ 35 ઈંચ વરસાદ પડતો હોય છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 21 Sep 2026 09:27 AM (IST)Updated: Mon, 21 Sep 2026 09:27 AM (IST)
ahmedabad-monsoon-2026-season-100-percent-rainfall-sarkhej-bopal-data
Ahmedabad Rain Report

Ahmedabad Rain Report: છેલ્લા કેટલાક દિવસમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વરસેલા ધોધમાર વરસાદ થકી અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે. શહેરમાં સામાન્ય રીતે સિઝનનો સરેરાશ 35 ઈંચ વરસાદ પડતો હોય છે, જેની સામે આખી સિઝનમાં માત્ર 26 દિવસમાં 35.60 ઈંચ વરસાદ નોંધાયો છે.

સરખેજમાં સૌથી વધુ 48 ઈંચ, બોપલમાં 45 ઈંચ

આ ચોમાસાની સિઝનમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોની સરખામણીએ પશ્ચિમના વિસ્તારોમાં આશરે 9 ઈંચ વધુ વરસાદ નોંધાયો છે. શહેરના વિસ્તારો મુજબ જોઈએ તો સરખેજમાં 48 ઈંચ અને બોપલમાં 45 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કઠવાડામાં 24.41 ઈંચ, ઓઢવમાં 26.67 ઈંચ અને કોતરપુરમાં 26.81 ઈંચ એમ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

રવિવારે બપોરે અડધો ઈંચ વરસાદ: 3 વૃક્ષો પડ્યા

રવિવારે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન શહેરમાં 3 સ્થળે પાણી ભરાવાની અને 3 સ્થળે વૃક્ષો પડવાની ફરિયાદ મળી હતી. રવિવારે બપોરે નોંધાયેલા વરસાદના આંકડા મુજબ સરખેજમાં 1.73 ઈંચ, વાસણામાં 1.48 ઈંચ, પાલડીમાં 1.36 ઈંચ, મકતમપુરામાં 1.32 ઈંચ અને જોધપુરમાં 1.18 ઈંચ વરસાદ પડ્યો હતો.

વિસ્તાર વરસાદ (ઈંચમાં)
સરખેજ 48.80
બાકરોલ 48.39
બોપલ 45.87
બોડકદેવ 43.09
થલતેજ 41.95
જોધપુર 41.63
સાયન્સ સિટી 41.40
મક્તમપુરા 41.24
વાસણા 40.73
મેમનગર 39.92
રાણીપ 38.56
નવરંગપુરા 38.48
ચાંદલોડિયા 38.03
પાલડી 37.74
ગોતા 37.11
ઓગણજ 36.67
મોટેરા 36.42
ઉસ્માનપુરા 34.63
ચાંદખેડા 34.04

અચાનક વરસાદી ઝાપટા થવાનું કારણ શું?

હવામાન વિભાગના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક એ.ટી. દેસાઈએ જણાવ્યું કે, લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી, પણ તેનો ભેજ સક્રિય હોવાથી ઝાપટા પડે છે. ચોમાસાના છેલ્લા દિવસોમાં રાજ્યને અસર કરનારી લો-પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત તરફથી આગળ વધી મધ્ય ભારત તરફ ખસી રહી છે. જોકે આ સિસ્ટમ સાથે જોડાયેલો મોન્સૂન ટ્રફ હજુ સક્રિય છે, જેને કારણે શહેર સહિત રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે.

એ.ટી. દેસાઈએ વધુમાં જણાવ્યું કે, બપોરે સૂર્યપ્રકાશ, ગરમી અને વાતાવરણમાં રહેલા ભેજના કારણે સ્થાનિક કન્વેક્શન એટલે કે ઊંચાઈ તરફ ગરમ-ભેજવાળી હવા ઝડપથી ઊઠતાં વાદળ રચાય છે અને ઝાપટાં પડે છે. ગતરોજ રવિવારે પણ આવું થયું હતું. વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હતું. બપોરે 3 વાગ્યાની આસપાસ વાદળ ઘેરાયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. હજુ બેથી ત્રણ દિવસ શહેરમાં ઝાપટાં પડશે.