પરેશ ગોસ્વામીની આગાહીઃ નૈઋત્યનું ચોમાસું નબળું પડ્યું, ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદી ઝાપટા વચ્ચે ઉકળાટ અને બફારાનું જોર વધશે

વીતેલા 48 કલાકથી શ્રીલંકાના ઉત્તર ભાગમાં નૈઋત્યનું ચોમાસું સ્થિર થયું છે, પરંતુ મોન્સૂન બ્રેકની સ્થિતિ લાંબી નહીં ચાલે. આવનારા એકાદ દિવસમાં ચોમાસું મજબૂત થઈને ફરીથી આગળ વધશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 10:17 PM (IST)Updated: Sat, 23 May 2026 10:17 PM (IST)
weather-expert-paresh-goswami-ni-aagahi-pre-monsoon-rain-across-gujarat-till-28th-may
HIGHLIGHTS
  • છેલ્લા ચારેક દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા

Paresh Goswami Ni Agahi: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કોઈ-કોઈ ભાગમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસે છે.

હકીકતમાં આંદામાન ટાપુઓ પર નૈઋત્યના ચોમાસાનું આગમન થતાં જ ગુજરાતમાં પણ છૂટાછવાયા ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં તાપમાન નીચું જવા સાથે જ બફારા અને અસહ્ય ઉકળાટ વધવાની આગાહી કરી છે.

24 મેથી તાપમાનનો પારો ગગડશે પરંતુ બફારો વધશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચારેક દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. આગામી 28 મે સુધી આવી જ રીતે છૂટાછવાયા ઝાપટા પડતા રહેશે.

જો કે આવતીકાલથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એટલે કે, મહત્તમ તાપમાન 2 ડિગ્રી જેટલું નીચું આવશે, પરંતુ બફારો અને ઉકળાટ સતત વધતા રહેવાથી તાપમાન 36 ડિગ્રી હશે, તો પણ 42 ડિગ્રી ગરમી જેવો અનુભવ થતો રહેશે.

નૈઋત્યનું ચોમાસું નબળું પડ્યું

નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, છેલ્લા 48 કલાકથી નૈઋત્યનું ચોમાસું શ્રીલંકાના ઉત્તર ભાગો સુધી પહોંચીને સ્થિર થઈ ગયું છે. પહેલા ચોમાસું મજબૂત બનીને આગળ વધતું હતુ, પરંતુ હાલ નબળુ પડીને સ્થિર થઈ ગયું છે. જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ લાંબા સમય નહીં રહે, પરંતુ આગામી એકાદ બે દિવસની અંદર ફરીથી ચોમાસું મજબૂત થઈને આગળ વધે તેવી શક્યતા છે. જેના પરિણામે હવે ગણતરીના દિવસોની અંદર કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે.

ગુજરાતના મોટાભાગના શહેરોમાં 42 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જે પૈકી 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદમાં 42.3, ગાંધીનગરમાં 42, સુરેન્દ્રનગરમાં 42.3, વડોદરામાં 40.6 અને સુરતમાં મહત્તમ તાપમાન 37.2 ટકા નોંધાયું છે.