Vishva Umiyadham: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વધતા વળગણ વચ્ચે કૌટુંબિક અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવા માટે વિશ્વ ઉમિયાધામ દ્વારા એક મહત્વપૂર્ણ અને નવીન પહેલ શરુ કરવામાં આવી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલે મહિલાઓને ડિજિટલ ઉપવા કરવા આહવાન કર્યું છે. તેમજ તે અંગેના શપથ પણ લેવડાવ્યા છે.
સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો સંકલ્પ
આર. પી પટેલના જણાવ્યા પ્રમાણે, પાટીદાર સમાજની મહિલાઓ સપ્તાહમાં એક દિવસ ખાસ કરીને દર રવિવારે ઉપવાસ કરવા જોઈએ. આ દરમિયાન મહિલાઓ ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરશે નહીં. ડિજિટલ ઉપવાસનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, મહિલાઓ પોતાનો આખો દિવસ સંપૂર્ણપણે પરિવારને સમર્પિત કરે.
કૌટુંબિક વ્યવસ્થા અને બાળકોના ઉછેર પર ભાર
સોશિયલ મીડિયાના અતિરેકથી સામાજિક અને કૌટુંબિક સંબંધો પર ગંભીર અસર પડી રહી છે, જેના કારણે તૂટતી જતી પરિવાર વ્યવસ્થાને બચાવવા વિશ્વ ઉમિયાધામ દ્વારા આ આહવાન કરવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળનો એક મુખ્ય હેતુ એ પણ છે કે મહિલાઓ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહીને પોતાના બાળકોના ઉછેર પાછળ વધુ સમય અને ધ્યાન આપી શકે, જેથી આવનારી પેઢીનું ઘડતર વધુ સુદ્રઢ બને. આ નવી પહેલ સમાજમાં ડિજિટલ સંતુલન જાળવવા અને કૌટુંબિક હુંફને ફરીથી જીવંત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
