Viramgam Demolition Drive: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આજે 1 જૂન, સોમવારના રોજ વહેલી સવારે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં ડબલ લેન હાઈવેને પહોળો કરવાના પ્રોજેક્ટના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણોને દૂર કરવાની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હાઈવેને પહોળો કરવા મેગા ડિમોલિશન
આ પણ વાંચો
વિરમગામમાં હાઈવેને પહોળો કરવાના પ્રોજેક્ટ વચ્ચે નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર, પોલીસ વડા (SP), DySP અને SDM સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.
સઘન પ્લાનિંગ બાદ અચાનક એક્શન
આજે કરવામાં આવેલી મેગા ડિમોલિશનની કામગીરી પહેલા હાઈવે પહોળો કરવામાં અવરોધ રૂપ દબાણ હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે-ત્રણ મહિનાથી સઘન આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યવાહી પૂર્વે તમામ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. લોકોમાં કોઈ આક્રોશ ન ફેલાય તે માટે અધિકારીઓએ સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો સાથે અનેક બેઠક યોજીને તેઓને વિશ્વાસમાં લીધા હતા.
પોલીસ-SRP જવાનોનો લોખંડી બંદોબસ્ત
આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિરમગામ ટાઉનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 2 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) કંપનીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) અને જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના PI પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: વટવાના ફ્લેટમાંથી મળ્યો કોહવાઈ ગયેલો મૃતદેહ, હાથ-પગ પણ બાંધેલા; 4 આરોપી ઝડપાયા
ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થશે
અમદાવાદ રૂરલ SP ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, વિરમગામ ટાઉનની આંતરિક અને બાહ્ય કનેક્ટિવિટી માટે આ ડબલ લેન હાઈવે બહુ જ મહત્વનો પ્રોજેક્ટ છે, જેનું ગયા વર્ષે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અગાઉથી કરેલી કાનૂની તૈયારી અને આગેવાનો સાથેની સમજાવટને કારણે જ વહીવટી તંત્ર વિકાસ માટે આ પ્રક્રિયા કોઈ પણ વિઘ્ન વગર પૂરી કરી શક્યું છે.
અમદાવાદ રૂરલ SP ઓમ પ્રકાશે વધુમાં, જણાવ્યું હતું કે, રોડ પહોળો થવાથી અહીંની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે. દબાણો દૂર થતાં જ હવે માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવેને પહોળો કરવાના પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
