Ahmedabad: વટવાના ફ્લેટમાંથી મળ્યો કોહવાઈ ગયેલો મૃતદેહ, હાથ-પગ પણ બાંધેલા; સગીર સહિત 4 આરોપી ઝડપાયા

મૃતક ઇમરાન સિંધા વડોદરાનો રહેવાસી છે અને વટવામાં ભાડાના મકાનમાં રહે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 01 Jun 2026 08:10 AM (IST)Updated: Mon, 01 Jun 2026 08:10 AM (IST)
ahmedabad-police-arrested-four-accused-of-youth-murder-in-santej-homes-flat-vatva

Ahmedabad Crime News: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા સાંતેજ હોમ્સ ફ્લેટના એક બંધ મકાનમાંથી એક યુવકના હાથ-પગ બાંધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં વટવા પોલીસ અને ઝોન 8 LCB ટીમે ફિલ્મી ઢબે એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓ મૃતકના જ રૂમ પાર્ટનર હતા.

બંધ ફ્લેટમાં મળ્યો કોહવાયેલો મૃતદેહ

આ સમગ્ર કેસ મામલે ઝોન 8 DCP મયુર પાટીલના જણાવ્યા અનુસાર, ગત 27 મેના રોજ વટવા પોલીસને સાંતેજ હોમ્સ ફ્લેટના એક રુમમાં મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળી હતી. વટવા પોલીસે અજાણ્યા ઇસમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખાણ થયા બાદ તેની સાથે ફ્લેટમાં રહેતા લોકો અંગે પણ પોલીસે તપાસ કરી હતી.

બનાવ બાદથી મૃતકના રૂમમેટ ગાયબ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક ઇમરાન સિંધા વડોદરાનો રહેવાસી છે અને વટવામાં ભાડાના મકાનમાં રહે છે. તેની સાથે આ રૂમમાં વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિકુમાર સાહુ ઉર્ફે રવિ અને એક કાયદાના સાથે સંઘર્ષમાં આવેલ કિશોર એમ ચાર લોકો રહેતા હતા. આ બનાવ બન્યો ત્યારથી અન્ય લોકો ગાયબ હતા જેથી પોલીસે તમામની શોધખોળ હાથ ધરી હતી.

ફિલ્મી ઢબે ફરાર ચાર આરોપીઓ ઝડપાયા

એક પોલીસ ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. માહિતીના આધારે આ શખ્સોની શોધતી પોલીસ ટીમ પહેલા જયપુર, જયપુરથી ધોલપુર, આગ્રા, આગ્રાથી ફતેહાબાદ, મથુરા, વૃંદાવન, વઝીરાબાદ, ફરી ફતેહાબાદ પહોંચી હતી. અહીં જ્યારે આ શખ્સો આગ્રા પરત જતા હતા ત્યારે પોલીસ ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને બસને પલવલ પાસે રોકીને ચારેય શખ્સોને પકડી પાડ્યા હતા.

ઘટનાના દિવસે શું બન્યું, શા માટે કરી હત્યા?

ફરાર થઈ ગયેલા શખ્સોએ જ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, બનાવના દિવસે રૂમમાં રહેતા રવિકુમાર અને એક સગીરે જમવાનું બનાવ્યું હતું. જમવામાં કીડી આવતા મૃતક ઇમરાને આ બાબતે ફરિયાદ કરી હતી, જેના કારણે જમવાનું બનાવનાર સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી.

વિવાદ વધતા ઇમરાનની સાથે રહેતા વિરેન્દ્રસિંઘ બઘેલ, ચાંદમોહન શર્મા, રવિકુમાર અને સગીરે ભેગા મળીને ઇમરાનના માથામાં બોથડ પદાર્થ માર્યો, જેથી તે અર્ધ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ ઇમરાનના હાથ-પગ બાંધી તેના મોઢામાં કપડું ઠૂંસી દીધું હતું, જેથી ગૂંગળામણના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ આરોપીઓ આ બનાવ બાદ ફરાર થઈ ગુજરાત રાજ્યની બહાર નીકળી ગયા હતા.