Ahmedabad: વટવા મર્ડર કેસની તપાસમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ, રૂ. 28 લાખની નકલી નોટો જપ્ત

ઘટના સ્થળેથી પોલીસને સળગેલી નોટો મળી આવી હતી. આરોપીઓની પૂછપરછના અંતે ફતેહાબાદ સ્થિત તેમના ઘરે તપાસ કરતાં નકલી નોટો ઉપરાંત પ્રિન્ટર, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 08:52 PM (IST)Updated: Sat, 06 Jun 2026 08:52 PM (IST)
ahmedabad-news-fake-currency-racket-busted-in-vatwa-murder-case-investigation
HIGHLIGHTS
  • આરોપીઓ વટવામાં ભાડે મકાન રાખીને નકલી નોટો છાપવાનું કામ કરતા હતા
  • જમવા બાબતે માથાકૂટ થતાં ગરમ તવાના ફટકા મારીને મુખ્ય સુત્રધારને પતાવી દીધો હતો

Ahmedabad: શહેરના વટવા વિસ્તારમાં થયેલી હત્યાના કેસની તપાસમાં નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. મૃતક ભાડાના મકાનમાં જ નકલી નોટો છાપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યાના ગુનામાં ફતેહાબાદથી ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછના અંતે પોલીસે તેમના ઘમાંથી 28 લાખ રૂપિયાની નકલી નોટો, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

હકીકતમાં ગત 23 મેના રોજ અમદાવાદના વટવા વિસ્તારમાં ભાડાની રૂમમાં રહીને નકલી નોટોનું કારખાનું ચલાવતી ગેંગના સભ્યો વચ્ચે જમવાનું બનાવવાની બાબતે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન ફતેહાબાદના મેહરા ચૌધરી ગામમાં રહેતા ચંદ્રમોહન અને વિરેન્દ્ર બધેલે પોતાના અન્ય બે મિત્રો સાથે મળીને ગરમ તવાના ફટકા મારીને નેટવર્કના મુખ્ય સુત્રધાન ઈમરાનની હત્યા કરી નાંખી હતી. જે બાદ આરોપીઓ તેની લાશને રૂમમાં બંધ કરીને પોતાના વતન ભાગી ગયા હતા.

આ કેસની તપાસ કરી રહેલી વટવા પોલીસને ઘટના સ્થળેથી કેટલી ચલણી નોટો સળગાવેલી હાલતમાં મળી આવી હતી. જેના આધારે પોલીસે ગેંગની ગતિવિધિઓની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 29 મેના રોજ સગીર સહિત હત્યામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને ગુરુગ્રામથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

જેમની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ ઈમરાન સાથે ભાડાના મકાનમાં ત્રણ મહિનાથી નકલી નોટો છાપવાનું કામ કરતા હતા. જે બાદ બન્ને આરોપીઓને કોર્ટમાંથી રિમાન્ડ પર લઈને તેમના ફતેહાબાદ સ્થિત વતન પહોંચી હતી. જ્યાંથી પોલીસે આરોપીઓના ઘરમાંથી 28 લાખ રૂપિયાની નકલી નોટો, લેપટોપ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો પોલીસ બન્ને આરોપીઓને લઈને ગુજરાત આવવા માટે રવાના થઈ ગઈ છે.