Ahmedabad Crime News: અમદાવાદમાં નશાકારક પદાર્થોના વેચાણ અને ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મહાનગરપલિકા (AMC) અને પોલીસ દ્વારા ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીના સરખેજ વિસ્તારમાં સ્થિત ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સંન્યાસ અને કૈલાશ આશ્રમ પાસે આવેલા 2 મકાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશ કરવામાં આવ્યા છે.
સરખેજમાં 2 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન
તાજેતરમાં સરખેજ વિસ્તારમાં બે કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ હતી. જેમાં નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ગેરકાયદે મિલકતો હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. જેના પગલે અમદાવાદ શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સરખેજના સંન્યાસ અને કૈલાશ આશ્રમ પાસે સરકારી જમીન પર બનાવવામાં આવેલા 2 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
'નો ડ્રગ્સ અમદાવાદ' અભિયાન હેઠળ કાર્યવાહી
ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 'નો ડ્રગ્સ અમદાવાદ' અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નાના-મોટા ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરખેજ પોલીસ અને ઝોન 7 LCB દ્વારા સરખેજ વિસ્તારમાં સુનીતા રાઠોડ અને દીપક રાઠોડ નામના આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
DCPએ સ્પષ્ટ કર્યું હતું કે, પતિ-પત્ની ઉપરાંત તેમની પાડોશમાં રહેતા શાંતાબેન રાઠોડ પણ NDPS ના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓની ગેરકાયદે મિલકત હોવાનું ધ્યાને આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નશાકારક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુનીતા રાઠોડ સામે પ્રોહિબિશનના 48 ગુનાઓ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુનીતા રાઠોડ વિરુદ્ધ નાર્કોટિક્સનો પ્રથમ ગુનો નોંધાયો હતો. જોકે, અગાઉ તેની સામે પ્રોહિબિશનના 48 ગુના નોંધાયેલા છે. તેના પતિ દીપક રાઠોડ વિરુદ્ધ પણ પ્રોહિબિશનના 24 ગુના દાખલ થયા છે.
આ ઉપરાંત આરોપી શાંતાબેન રાઠોડ સામે પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સનો ગુનો નોંધવામાં આવ્યો છે. શાંતાબેન વિરુદ્ધ પ્રોહિબિશન અથવા અન્ય કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે.
અગાઉ 2025માં પણ અહીં થયું હતું ડિમોલિશન
પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ વર્ષ 2025માં આ સ્થળે TP 90 પર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે 6 મકાન અને 9 કોમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ ફરીથી ત્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું અને નશાકારક પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખવામાં આવી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. આથી કાર્યવાહી હેઠળ હાલ 2 મકાનો તોડી પાડવામાં આવ્યાં છે.
ફરી નશાની પ્રવૃત્તિ થશે તો તાત્કાલિક કાર્યવાહી
DCP શિવમ વર્માએ વધુમાં જણાવ્યું કે, પોલીસ દ્વારા આ વિસ્તારમાં સતત વોચ રાખવામાં આવશે. જો ફરી કોઈ નશાકારક પ્રવૃત્તિ થતી જણાશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓની ગેરકાયદે મિલકતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. આવી મિલકતો સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
