અમદાવાદ: દિલજીતના કોન્સર્ટમાં છેક દિલ્હીથી આવ્યા 'ચોર', 11 મોબાઈલ સાથે બે શખ્સ ઝડપાયા

દિલજીતના કોન્સર્ટમાં પ્રવેશ મેળવવા માટે આરોપીઓએ પૈસા ખર્ચીને ગોલ્ડ કેટેગરીની ટિકિટ પણ ખરીદી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 10:25 PM (IST)Updated: Sun, 22 Nov 2026 10:25 PM (IST)
ahmedabad-diljit-dosanjh-concert-mobile-theft-delhi-two-men-arrested

Ahmedabad Diljit Concert: અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બર, શનિવારે યોજાયેલા દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ભીડનો લાભ લઈને મોંઘા મોબાઈલ ચોરી કરવા આવેલા દિલ્હીના 2 શખ્સોને ઝોન-2 LCB સ્ક્વોડે ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના 11 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ મામલે 6 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે.

દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલોની ચોરી

દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક લોકોના મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદો સ્ટેડિયમના કંટ્રોલ રૂમમાં મળી હતી. ફરિયાદોના આધારે પોલીસે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું. કોન્સર્ટ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમની બહાર નીકળી રહ્યા હતા.

આ દરમિયાન ગેટ પર વોચ ગોઠવી રહેલી ઝોન-2 DCP LCB સ્ક્વોડના PSI કે.ડી. પટેલ અને તેમની ટીમને 2 શંકાસ્પદ શખ્સ પોલીસને જોઈને ભાગતા જણાયા હતા. પોલીસ ટીમે બંનેનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા. તેમની તપાસ કરતાં ખિસ્સામાંથી અલગ-અલગ કંપનીના 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

મોંઘા ફોન ચોરવા ગોલ્ડ ટિકિટ ખરીદી લીધી એન્ટ્રી

પોલીસની પૂછપરછમાં બંને આરોપીની ઓળખ દિલ્હીના રહેવાસી મોહમ્મદ ગુલઝાર અને અશરફ હુસૈન ઈદ્રિશી તરીકે થઈ હતી. તપાસ દરમિયાન બંનેએ કબૂલાત કરી કે કોન્સર્ટમાં ગોલ્ડ કેટેગરીની ટિકિટ ધરાવતા લોકો પાસે મોંઘા મોબાઈલ ફોન હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેઓ ખાસ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા.

સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે તેમણે પૈસા ખર્ચીને ગોલ્ડ કેટેગરીની ટિકિટ પણ ખરીદી હતી. આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન ચોરવાની તેમની યોજના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

₹4.30 લાખના 11 મોબાઈલ ફોન જપ્ત, 6 FIR

પોલીસે બંને આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 11 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ તમામ મોબાઈલની અંદાજિત કિંમત ₹4.30 લાખ હોવાનું જણાવાયું છે. આ મામલે પોલીસે 6 જેટલા ગુનાઓ નોંધ્યા છે અને બંને આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.