Ahmedabad News: અમદાવાદમાં કેફેની આડમાં ચાલતા હુક્કાબાર પર SMC ને મોટી સફળતા મળી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કેફેની આડમાં ચાલતા હુક્કાબારમાંથી 40 થી વધુ યુવકોને ઝડપી પાડ્યા છે. જેમાં SMC ને માહિતી મળી હતી કે, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કેફેની આડમાં હુક્કાબાર શરુ થયા છે. જ્યાં આઈપીએલ મેચના બહાને કેફે સંચાલકો દ્વારા ગ્રાહકોને હુક્કા અપાતો હતો.
SMC એ અમદાવાદના કેફેમાં દરોડા પાડ્યા
SMC ટીમે અમદાવાદના સરખેજ, ચાંદખેડા અને સિંધુભવન વિસ્તારમાં રેડ પાડીને 40થી વધારે યુવકોને પકડ્યા છે, મોનિટરિંગ સેલ દ્વાર ગુજરાત કોલેજ રોડ પાસે ટીસીએસ લોન્જ એન્ડ રેસ્તોરાં, ચાંદખેડામાં આવેલ વિનવિક્સ રેસ્તોરાં, સિંધુભવન રોડ પર કાસાનોવા કેફે, ભાડજ સ્થિત ધ વિન્ટેજ બ્રુ કાફેમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી કેફેની આડમાં હુક્કો પીરસાતો હોવાનું સામે આવ્યું હતું.
દરોડામાંથી 40થી વધુ યુવકોની અટકાયત
પોલીસે રેડ દરમિયાન ગુજરાત કોલેજ રોડના ટીસીએસ હુક્કાબારમાંથી 19 હુક્કા, સિંધુભવન સ્થિત કાસાનોવામાંથી 9 હુક્કા, ચાંદખેડામાં આવેલા હુક્કાબારમાંથી હુક્કા અને ફ્લેવર્સ કબજે કર્યા છે. તેમજ તમામ કેફેના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી દાખલ કરી છે, તેમજ તમામ હુક્કાની ફ્લેવર્સના નમૂના એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
