વડોદરામાં પોલીસ કમિશનરની સરપ્રાઈઝ વિઝિટમાં દુમાડ ચેકપોસ્ટ પરથી SRP જવાન દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન દુમાડ ચેકપોસ્ટ પર ફરજ બજાવતો SRP ગ્રુપ-7નો જવાન વિક્રમ ભોઈ દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતો ઝડપાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 11 Jun 2026 09:20 AM (IST)Updated: Thu, 11 Jun 2026 09:20 AM (IST)
vadodara-cp-surprise-visit-srp-jawan-arrested-drunk-on-duty-dumad-checkpost

Vadodara News: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા નીકળેલા પોલીસ કમિશનરની મુલાકાત દરમિયાન જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના પ્રવેશદ્વાર ગણાતા દુમાડ ચેકપોસ્ટ પર ફરજ બજાવતો એસ.આર.પી. (SRP) નો જવાન જ દારૂ પીધેલી હાલતમાં રંગેહાથ ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રજાના રક્ષક જ જ્યારે ભક્ષક બને અને કાયદાના લીરેલીરા ઉડાવે ત્યારે કેવી સ્થિતિ સર્જાય તેનો આ જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કમિશનરની વિઝિટમાં જ જવાન લથડિયા ખાતો દેખાયો

મળતી વિગતો અનુસાર, વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર રાત્રિ દરમિયાન દુમાડ ચેકપોસ્ટની અચાનક મુલાકાતે (સરપ્રાઈઝ વિઝિટ) પહોંચ્યા હતા. કમિશનર કાફલા સાથે ચેકપોસ્ટ પર ઉતર્યા ત્યારે ત્યાં સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત એક જવાન શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસ કમિશનરની હાજરી હોવા છતાં આ જવાન પોતાના પગ પર સરખો ઊભો રહી શકતો ન હતો અને જાહેરમાં જ લથડિયા ખાઈ રહ્યો હતો.

પોલીસ કમિશનરે જાતે કરી પૂછપરછ

જવાનની આવી હાલત જોઈને ખુદ પોલીસ કમિશનર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક તે જવાન પાસે જઈને કડક શબ્દોમાં પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે આ જવાન એસ.આર.પી. ગ્રુપ-7 (નડિયાદ) નો કોન્સ્ટેબલ છે અને તેનું નામ વિક્રમ ભોઈ છે. વિક્રમ ભોઈ ફરજ પર જ દારૂ પીને ચકચૂર હાલતમાં હાજર રહ્યો હતો. પોલીસ કમિશનરની કડક પૂછપરછ સામે જવાન કાંઈ બોલી શકવાની સ્થિતિમાં પણ ન હતો.

સમા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો

ગુજરાતમાં સખત દારૂબંધી હોવા છતાં, કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે, તેવો જવાન જ નશામાં ધૂત મળતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.

દુમાડ ચેકપોસ્ટ જે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તે સમા પોલીસ સ્ટેશન ખાતે આરોપી એસ.આર.પી. કોન્સ્ટેબલ વિક્રમ ભોઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ મામલે ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.