Vatva 1992 murder case: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ કરતા 34 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો છે, જેમાં એક પ્રેમીએ પોતાની પરિણીત પ્રેમિકાની હત્યા કરી ઘરમાં જ ખાળકૂવામાં મૃતદેહ દાટી દીધો હતો.
1992: હત્યા કરી મૃતદેહ ખાળકૂવામાં દાટ્યો
'દૃશ્યમ' ફિલ્મ જેવી આ ઘટના અંગે પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, વર્ષ 1992માં કુતુબનગરમાં રહેતા શમસુદ્દીન નામના વ્યક્તિને ફરઝાના નામની પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ હતો. શમસુદ્દીને અગાઉ બે લગ્ન કર્યા હતા. માર્ચ 1992 માં ફરઝાના જ્યારે શમસુદ્દીનના ઘરે આવી ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ ઝઘડામાં શમસુદ્દીને તેની જ પ્રેમિકા ફરઝાનાની હત્યા કરી નાખી હતી. જે બાદ પોતાના પરિવારજનોની મદદથી ઘરમાં જ ખાળકૂવો ખોદીને મૃતદેહને અંદર દાટી દીધો હતો. પુરાવાનો નાશ કરવા માટે તેમણે કૂવામાં માટીનું પુરાણ કરીને ઉપરથી પ્લાસ્ટર પણ કરી દીધું હતું.
2015: મુખ્ય આરોપીનું અવસાન અને પછી...
વર્ષ 2015માં આ હત્યાના મુખ્ય આરોપી શમસુદ્દીનનું અવસાન થયું હતું. આ દરમિયાન જ શમસુદ્દીનના પરિવારજનોને સપનામાં ફરઝાના દેખાતી હોવાનો ભ્રમ થવા લાગ્યો હતો. ઘરમાં તેની આત્મા ભટકતી હોવાના ડરથી તેઓએ અવારનવાર તાંત્રિક વિધિઓ કરાવી હતી. જોકે, ડર દૂર ન થતા અંતે પરિવારજનો મકાનને તાળું મારી અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હતા.
શું ફરઝાનાની આત્મા ભટકી રહી હતી?
એક સ્થાનિકે જણાવ્યું કે, આ જ મકાનમાં ત્યારબાદ જે બે પરિવારો ભાડે રહેવા આવ્યા હતા. તેઓ પણ કોઈને કોઈ કારણોસર બીમાર પડતા અને હેરાન-પરેશાન રહેતા હોવાથી, કોઈ શંકાને પગલે મકાન ખાલી કરીને જતા રહ્યા હતા. અત્યાર સુધી 3 થી 4 મકાન માલિક બદલાઈ ગયા છે. મકાન ઘણા સમયથી બંધ પડી રહ્યું છે.
2026: પોલીસ તપાસમાં મળ્યા મૃતદેહના અવશેષો
કુતુબનગરમાં વારંવાર થતી તાંત્રિક વિધિઓ અને બંધ મકાનને લઈને ફેલાયેલી વાતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી હતી. પોલીસે સળંગ બે મહિના સુધી ઝીણવટપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે વર્ષ 1992માં શમશુદ્દીનની પ્રેમિકા ગુમ થઈ હતી, અને તેની હત્યા કરી ઘરમાં જ દાટી દેવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ શરૂ...
છેવટે પોલીસ ટીમે JCB મશીનથી મકાન તોડી પાડ્યું હતું, અને કૂવામાંથી માટી કાઢતા તેમાંથી મહિલાના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. હાલમાં પોલીસે આ અવશેષોને વધુ તપાસ અર્થે FSL માં મોકલી આપ્યા છે. આ ઉપરાંત, આ સમગ્ર કૃત્યમાં મદદ કરનાર મુખ્ય આરોપી શમસુદ્દીન પરિવારજનો સામે પણ ક્રાઈમ બ્રાન્ચે જાણવાજોગ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
