Ahmedabad: અમદાવાદના એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝર સાથે જોડાયેલા વિવાદમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે કિર્તીદાન ગઢવી અને સાયબર ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
અરજદારને ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને ઢોરમાર મરાયો
અમદાવાદના ખોડિયારનગરમાં રહેતા અને ઈવેન્ટ ઑર્ગેનાઈઝરનું કામ કરતાં જયેશ પરમારે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, કિર્તીદાન ગઢવીના કહેવાથી ગાંધીનગર સાયબર સેલના અધિકારીઓએ સિવિલ ડ્રેસમાં તેમની અટકાયત કરી હતી અને રાત્રે 2 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોરમાર માર્યો હતો. આ સાથે જ અરજદારે પોતાની સાથે થયેલી મારપીટના પુરાવા રૂપે હાઈકોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું છે.
હકીકતમાં વર્ષ 2025ની નવરાત્રી ઈવેન્ટના આયોજન સંદર્ભે કિર્તીદાન ગઢવી અને અરજદાર વચ્ચે થયેલી પૈસાની લેવડદેવડનો વિવાદ આ ઘટનાના મૂળમાં છે. જેને લઈને 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ગાંધીનગર સ્થિત સાયબર સેલના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં જયેશ પરમારની અટકાયત કરીને તેમને રાતે 2 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા હતા.
અરજદારે આક્ષેપ કર્યો છે કે,પોતે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ ના કર્યો હોવા છતાં કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી સિવિલ ડ્રેસમાં આવેલા સાયબર સેલના અધિકારીઓએ તેમને ગોંધી રાખીને ઢોરમાર માર્યો હતો.
આખરે હાઈકોર્ટે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કિર્તીદાન ગઢવી ઉપરાંત SP રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના PI બી.એમ.ચૌધરી અને PSI પરમારને નોટીસ ફટકારીને ખુલાસો કરવા જણાવાયું છે. આ સાથે જ 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે અરજદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. જેમાં અરજદાર જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિકુમાર શાહે 65 હજાર જેટલી કોમ્પ્લિેમેન્ટરી ટિકિટોને પેઈડ તરીકે વેચીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. જો કે પોલીસ દ્વારા આગળ કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા ગાંધીનગર કોર્ટે ત્રણેય અરજદારોના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
