AMC Election 2026, BJP defeat in Khadia ward: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026 ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભલે 160 બેઠકો પર ભવ્ય જીત મેળવી હોય, પરંતુ ખાડિયા વોર્ડમાં ભાજપની પેનલની ઐતિહાસિક હાર થઈ છે. આ પરાજયના કારણે પક્ષના સિનિયર આગેવાનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે, અને તેમણે આ હારની સરખામણી 'અયોધ્યા હાર્યાના દુઃખ' સાથે કરી છે.
મતદાનની અસમાનતા અને ધ્રુવીકરણ
ભાજપના સિનિયર નેતાઓના જણાવ્યા અનુસાર, ખાડિયામાં હિન્દુ અને મુસ્લિમ મતદારોનું પ્રમાણ અંદાજે 60-40 છે. હારનું એક મોટું કારણ મતદાનની અસમાનતા રહી હતી. મુસ્લિમ બુથોમાં આશરે 80 ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું, જ્યારે હિન્દુ બૂથોમાં માત્ર 40 ટકા જ મતદાન થયું હતું.
'પાકિસ્તાન નહીં બનવા દઈએ' નિવેદન ભારે પડ્યું?
આ ઉપરાંત, સ્થાનિક લોકોનું માનવું છે કે ચૂંટણી પ્રચારમાં 'ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ' જેવા વાણીવિલાસને કારણે લઘુમતી મતોનું ધ્રુવીકરણ થયું અને ભાજપે હારનો સામનો કરવો પડ્યો. આ અંગે સ્પષ્ટતા કરતા ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કહ્યું કે, તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો. તેમનો કહેવાનો અર્થ માત્ર એટલો હતો કે કોંગ્રેસના ઉમેદવાર એન્ટિ-સોશિયલ તત્ત્વોના વકીલ છે, અને જો તેઓ જીતશે તો ખાડિયા પાકિસ્તાન બની જશે.
ભૂષણ ભટ્ટની નારાજગી, પક્ષમાં આંતરિક વિખવાદ
ખાડિયા વોર્ડમાં પહેલી વાર ભાજપના સુપડા સાફ થયા બાદ, ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખુલ્લી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, ઉમેદવારોની ટિકિટ પસંદગીમાં તેમનો કોઈ જ અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો. તેમણે ઉમેર્યું કે, "મેં તો સાચી પરિસ્થિતિ જણાવી હતી. શું તે મારી ભૂલ હતી?". જોકે, બીજી તરફ ભાજપના આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે "ભૂલની માફી હોય, ગુનાની નહીં."
આ પણ વાંચો: ભાજપના અભેદ્ય ગઢના કાંગરા ખર્યા, ખાડિયા વોર્ડમાં 70 વર્ષ બાદ કોંગ્રેસની એન્ટ્રી; જાણો કારણ...
ખાડિયા વોર્ડમાં ભાજપની હારના 10 મુખ્ય કારણો
સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતા અને હિન્દુ જૂથો પરનું ઓછું મતદાન ખાડિયા વોર્ડમાં હાર માટે નિર્ણાયક સાબિત થયા છે. જોકે, પક્ષની આંતરિક સમીક્ષા બાદ ખાડિયા વાર્ડમાં ભાજપની હારના 10 કારણો હાઈકમાન્ડને આગળ મોકલવામાં આવ્યા છે.
- ઉમેદવાર પરેશ આનંદ, હેતલ નાયક, શ્વેતા શાહ સામે સ્થાનિક સ્તરે જ વિરોધ જોવા મળ્યો હતો.
- પૂર્વ કોર્પોરેટરો ચૂંટણીમાં સક્રિય રહ્યા નહીં, પેનલ તોડવાના પ્રયાસો થયા.
- સંગઠન મેન-ટુ-મેન માર્કિંગ કરવામાં અને મતદારોને રીઝવવામાં નિષ્ફળ રહ્યું.
- કુલ 54 લોકોએ ટિકિટ માંગી હતી. જોકે, ટિકિટ ન મળતા અનેક દાવેદારો નિષ્ક્રિય બની ગયા હતા.
- ગત 2021 ની ચૂંટણીમાં AIMIM ના કારણે મુસ્લિમ મતોનું વિભાજન થયું હતું, જે પરિબળ આ વખતે જોવા ન મળ્યું.
- મતદારોને આપવામાં આવેલ સ્લિપોમાં કેટલાક કિસ્સામાં મતદાન મથકોના ખોટા સરનામાં છપાયા હતા.
- વોર્ડના પૂર્વ હોદ્દેદારો પર એવો આક્ષેપ છે કે તેમણે બહારથી અને પાર્ટીમાંથી રૂપિયા લીધા, પરંતુ જમીન સ્તર પર કોઈ કામ કર્યું નહીં.
- સ્થાનિક ભાજપના જ ઈશારે ઊભા રહેલા અપક્ષ ઉમેદવારને મેનેજ કરવામાં શહેર ભાજપ નિષ્ફળ સાબિત થયું.
- લોકચર્ચા: આ પરાજય માટે ભૂષણ ભટ્ટ, મયૂર દવે અને કૃષ્ણવદન બ્રહ્મભટ્ટની ત્રિપુટી જવાબદાર છે.
- ચૂંટણી ખર્ચ માટે પક્ષ તરફથી ફાળવવામાં આવેલ નાણાંનું યોગ્ય આયોજન નહોતું, અને તે યોગ્ય રીતે વપરાયાં નહીં.
