વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, જાણો શું છે આરોપ?

આશિષ જોષીને ટ્રાન્સફર વોરંટ સાથે અમદાવાદથી સંખેડા લવાયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 14 May 2026 03:26 PM (IST)Updated: Thu, 14 May 2026 03:26 PM (IST)
vadodara-congress-corporator-ashish-joshi-arrested-in-sankheda-prohibition-case
HIGHLIGHTS
  • આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ
  • આરોપી વડોદરા કોંગ્રેસના કોર્પોરેટર છે

Corporator Ashish Joshi Arrested: વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીની પ્રોહિબિશનના એક હાઈપ્રોફાઈલ ગુનામાં અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, આજે ટ્રાન્સફર વોરંટના આધારે તેમને સંખેડા લાવવામાં આવતા તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં અગાઉ યોજાયેલ ગુજરાતની ચૂંટણી દરમિયાન દારૂની હેરાફેરી અને વિતરણ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન વડોદરાના કોર્પોરેટર આશિષ જોષીનું નામ ખુલતા તેઓને લાંબા સમયથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

અમદાવાદથી ધરપકડ અને ટ્રાન્સફર વોરંટ 

આખરે, અમદાવાદની રામોલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આશિષ જોષીની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ કાયદેસરની પ્રક્રિયા કરી તેમને સંખેડા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. જે બાદ કોર્પોરેટર આશિષ જોષીને સંખેડા લાવવામાં આવ્યા હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા.

પોલીસ મથકે કોંગ્રેસ નેતા-કાર્યકરો ઉમટી પડ્યા

બીજી તરફ વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સંખેડા પોલીસ મથકે પહોંચી ગયા હતા. પોતાના સાથી નેતાની ધરપકડના પગલે મોટી સંખ્યામાં કાર્યકરો પણ એકઠા થતા વાતાવરણ ગરમાયું હતું. પોલીસ મથક પરિસરમાં રાજકીય નેતાઓ અને ભીડની હાજરીને જોતા સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

સઘન પોલીસ તપાસ, વધતો રાજકીય ગરમાવો

હાલમાં સંખેડા પોલીસે આશિષ જોષીનો કબજો મેળવી લીધો છે, અને આ દારૂના નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ આ કેસમાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે અને ચૂંટણી સમયે દારૂનો જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

એક તરફ પોલીસ કાયદાકીય તપાસ ચલાવી રહી છે, ત્યારે બીજી બાજુ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિની આ રીતે ધરપકડ થતા આગામી દિવસોમાં વડોદરાના રાજકારણમાં આ મુદ્દો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનું કેન્દ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે.