Vadodara: વડોદરા શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે વિશ્વાસપાત્ર ગણાતી બેકરીઓમાં જ્યારે આવી બેદરકારી જોવા મળે, ત્યારે ગ્રાહકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે.
શહેરના હાર્દ સમાન ખંડેરાવ માર્કેટ પાસે આવેલી મિસ્ટર પફ (Mr. Puff) ની મુખ્ય શાખામાં કેક કાઉન્ટરની અંદર જ એક મરેલો ઉંદર લટકતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
કાઉન્ટરમાં ખુલ્લી કેક સહિતની વસ્તુઓની ઉપર ઉંદર લટકતો હતો
ગઈકાલે આ બેકરીમાં ખરીદી કરવા ગયેલા એક જાગૃત ગ્રાહકની નજર કેક ડિસ્પ્લે કાઉન્ટર પર પડી હતી. કાઉન્ટરમાં આકર્ષક કેક સાથે એક મરેલો ઉંદર જોઈ ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. તેણે તુરંત આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જ્યાં ખાવાની વસ્તુઓ ખુલ્લી પડી છે, ત્યાં જ ઉંદર મરેલો પડ્યો છે, જે સીધી રીતે ફૂડ પોઈઝનિંગ અને ગંભીર બીમારીઓને આમંત્રણ આપી રહ્યો હતો.
જો કે વીડિયો વાયરલ થતાં જ વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા (Health/Food Department) હરકતમાં આવી હતી. આરોગ્ય અધિકારી પી.એમ. ભાવસારના માર્ગદર્શન હેઠળ આજે સવારે બેકરીની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ અને ચોકલેટ કેકના નમૂના લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બેકરીમાં જોવા મળેલી ગંદકી અને ગંભીર બેદરકારીને પગલે તંત્રએ તેને 'ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ' ફટકારી છે. આટલું જ નહીં, જ્યાં સુધી હાઈજીનના ધોરણો જળવાઈ ન રહે અને નોટિસનો યોગ્ય સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી આ આઉટલેટને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાઈસન્સ રદ થવાની શક્યતા
તંત્રએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો સંચાલકો તરફથી યોગ્ય ખુલાસો નહીં મળે અથવા સુધારો કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં બેકરીનું લાઈસન્સ કાયમી ધોરણે રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. વારંવાર સામે આવતા આવા કિસ્સાઓ બાદ હવે નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે કેવળ દંડ ભરીને છૂટી જતા વેપારીઓ સામે વધુ કડક પગલાં લેવાવા જોઈએ.
