Ahmedabad Crime News: અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા અવનીશ હાઈટ્સમાં રહેતા વેપારી મનીષભાઈનો તેમના જ ફ્લેટમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યા તેમના જ સાળાના દીકરા (ભત્રીજા) વ્રજ સોનીએ કરી હોવાનું પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલ્યું છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
ચોરી કરતા ઝડપાયો'ને ફુઆનું ગળું દબાવ્યું
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી વ્રજ સોની છેલ્લા 10 દિવસથી મનીષભાઈના ઘરે રહેવા માટે આવ્યો હતો. બનાવના દિવસે આરોપી ઘરમાંથી પૈસા અને લેડીઝ અંડરગાર્મેન્ટની ચોરી કરી રહ્યો હતો, ત્યારે જ ફુઆ મનીષભાઈ તેને રંગેહાથ જોઈ ગયા હતા. આ ચોરીનો મામલો બહાર ન આવે તે હેતુથી આરોપી વ્રજ સોનીએ પોતાના જ ફુઆનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
5 લાખ-ગાડી લઈ નાસી છૂટ્યો આરોપી વ્રજ
હત્યા નિપજાવ્યા બાદ આરોપી વ્રજ ફ્લેટમાંથી 5 લાખ રૂપિયા, તેના ફોઈના અંડરગાર્મેન્ટ્સ અને મનીષભાઈની ગાડી લઈને વહેલી સવારે ત્યાંથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ મનીષભાઈનો મૃતદેહ મળી આવતા તેમના દીકરાએ બોપલ પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરી, દુબઈથી આવેલા 3 મુસાફરો 566 બોક્સ સાથે ઝડપાયા
CCTV અને મોબાઈલ લોકેશનથી ફૂટ્યો ભાંડો
ફ્લેટના CCTV કેમેરા ચેક કરતા આરોપી વ્રજ વહેલી સવારે થેલો લઈને અને કાર લઈને પાર્કિંગમાંથી ભાગતો દેખાયો હતો. બોપલ પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા આરોપી હત્યા બાદ કાર લઈને ઉદયપુર તરફ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. બોપલ પોલીસની એક ટીમે ઉદયપુર પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 2 લાખ રૂપિયા તેમજ ચોરી કરેલા લેડીઝ અંડરગાર્મેન્ટ્સ કબજે કર્યા હતા.
વ્રજને મહિલાઓના કપડાં પહેરવાનો વિચિત્ર શોખ
પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ કે, આરોપી વ્રજને મહિલાઓના વસ્ત્રો પહેરવાનો વિચિત્ર શોખ છે, અને આ અંગે પરિવારના સભ્યોને પણ જાણ હતી. અગાઉ પણ તેણે ઘરમાંથી 25 હજાર રૂપિયાની ચોરી કરી હતી, જે બદલ પરિવારના સભ્યોએ તેને ફટકાર્યો પણ હતો. સમગ્ર મામલે બોપલ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
