Ahmedabad news: અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રાયોગિક પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ગેરરીતે પાર્ક થતાં વાહનોના કારણે સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિને સુધારવા માટે AMC દ્વારા ખુલ્લા પ્લોટ્સને ભાડે આપવાનું મોડલ અપનાવવામાં આવ્યું છે.
કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ ફાળવ્યા
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં, ખાસ કરીને સરખેજ અને જોધપુર વિસ્તારોમાં આવેલા એવા કોમર્શિયલ કોમ્પલેક્ષો કે જ્યાં પોતાની પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી, તેઓ માટે AMC દ્વારા પોતાના ખુલ્લા પ્લોટ્સ સમયબદ્ધ ધોરણે ભાડે આપીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સાઉથ વેસ્ટ ઝોન હેઠળ સરખેજ અને જોધપુર વોર્ડ વિસ્તારમાં આવેલા વિવિધ ખુલ્લા પ્લોટોને “Only Parking Purpose (For All)” હેતુસર ફાળવવામાં આવ્યા છે. આ પહેલ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાઉથ વેસ્ટ ઝોનમાં કુલ 12 કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ એલોટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મનપાને થઈ લાખો રૂપિયાની આવક
આ પ્લોટો ફાળવવા બદલ AMC દ્વારા સંબંધિત અરજદારો પાસેથી ભાડું, GST અને ડિપોઝિટની રકમ વસૂલવામાં આવી છે. આયોજનબદ્ધ રીતે પાર્કિંગ ઉભુ કરવાથી અમદાવાદ મનપાને આર્થિક ફાયદો પણ થયો છે. જેમાં કુલ રૂ. 41,53,500 ભાડા પેટે અને રૂ. 1,04,760 GST પેટે વસૂલવામાં આવ્યા છે.
વધુમાં, રૂ. 10,38,375 ડિપોઝિટ તરીકે વસૂલવામાં આવ્યા છે. આમ, માત્ર સાઉથ વેસ્ટ ઝોનમાં કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ ભાડે આપીને અમદાવાદ મહાનગરપાલિકાને કુલ રૂ. 52,96,635ની માતબર આવક પ્રાપ્ત થઇ છે.
કયા વિસ્તારોમાં થઈ પ્લોટની ફાળવણી?
આ હેતુ માટે મકરબા, વેજલપુર, બોડકદેવ અને સરખેજ વિસ્તારના વિવિધ TP પ્લોટો ફાળવવામાં આવ્યા છે. વધુમાં, YMCA ક્લબ પાછળનો વિસ્તાર, આનંદનગર રોડ, એસ.જી. હાઈવે, પ્રહલાદનગર રોડ, કોર્પોરેટ રોડ તથા કર્મ કોલેજ નજીકના વિસ્તારોમાં પણ આ પ્લોટો પાર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ પાર્કિંગ પ્લોટો માટે મોટાભાગની મંજૂરીઓ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતને મળી મોટી ભેટ; અમદાવાદ-ધોલેરા વચ્ચે દોડશે દેશની પ્રથમ સ્વદેશી સેમી હાઈ-સ્પીડ ટ્રેન
કુલ 102 પ્લોટ પાર્કિંગ હેતુસર ફાળવાયા
AMC દ્વારા આ મોડલને શહેરના અન્ય વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવ્યું છે. શહેરના અન્ય ઝોનમાં પણ વધતી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી માલિકો તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સોને પાર્કિંગ હેતુસર કુલ 102 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ઝોન પ્રમાણે જોઈએ તો:
- ઉત્તર ઝોનમાં 18 પ્લોટ
- દક્ષિણ ઝોનમાં 6 પ્લોટ
- પૂર્વ ઝોનમાં 21 પ્લોટ
- પશ્ચિમ ઝોનમાં 12 પ્લોટ
- ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 33 પ્લોટ
- દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 12 પ્લોટ
ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં AMC દ્વારા અપનાવવામાં આવેલ આ મોડલ શહેર આયોજન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યું છે. આનાથી રસ્તાઓ પર થતા ગેરવ્યવસ્થિત પાર્કિંગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને શહેરી સુવિધા વ્યવસ્થાપનનું નવું મોડલ ઉભરી રહ્યું છે.
