અમદાવાદ એરપોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરી, દુબઈથી આવેલા 3 મુસાફરો 566 બોક્સ સાથે ઝડપાયા

અમદાવાદ એરપોર્ટ પર વિદેશી અને નકલી સિગારેટની દાણચોરીનું પ્રમાણ વધ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 14 May 2026 10:44 AM (IST)Updated: Thu, 14 May 2026 10:44 AM (IST)
ahmedabad-airport-customs-seizes-foreign-cigarettes-dubai-passengers
HIGHLIGHTS
  • અમદાવાદ એરપોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરી
  • દુબઈથી લાવેલી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

Ahmedabad Crime News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર ગેરકાયદેસર રીતે વિદેશી ચીજવસ્તુઓ લાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગત 13 મે, બુધવારના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે કસ્ટમ અધિકારીઓએ રૂટિન ચેકિંગ દરમિયાન વિદેશી સિગારેટના જથ્થા સાથે ત્રણ મુસાફરો ઝડપાઈ ગયા છે.

દુબઈથી આવ્યા હતા આરોપી મુસાફર

પ્રાપ્ત વિગતો અનુસાર, દુબઈથી અમીરાતની ફ્લાઈટ નંબર EK-538 મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવેલા ત્રણ મુસાફરોના સામાન પર કસ્ટમ અધિકારીઓને શંકા ગઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઈને કસ્ટમ્સની ટીમ દ્વારા ત્રણેય મુસાફરોને અટકાવી અને તેમના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

કઈ બ્રાન્ડની કેટલી સિગરેટ મળી આવી? 

આ તપાસ દરમિયાન મુસાફરોએ સામાનમાં ચતુરાઈથી છુપાવલો વિદેશી મૂળની સિગારેટનો જથ્થો મળી આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ હાથ ધરેલી આ સઘન તપાસમાં બે જાણીતી વિદેશી બ્રાન્ડની સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો છે. જેમાં મોન્ડ (Mond) બ્રાન્ડના 280 બોક્સ અને ગુડાંગ ગરમ (Gudang Garam) બ્રાન્ડના 286 બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે.

મુસાફરો આ વિદેશી સિગારેટનો જથ્થો કોઈ પણ પ્રકારના માન્ય દસ્તાવેજ વગર લાવી રહ્યા હોવાથી, કસ્ટમ્સ એક્ટ 1962 ની વિવિધ જોગવાઈ હેઠળ આ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં સિગારેટ કોના માટે લાવવામાં આવી અને તેની પાછળ કયું નેટવર્ક સક્રિય છે, તે જાણવા માટે કસ્ટમ વિભાગે પકડાયેલા મુસાફરોની પૂછપરછ હાથ ધરી છે.

ત્રણ વર્ષમાં 199 કરોડનું 310 કિલો સોનું જપ્ત

કસ્ટમના એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી એરપોર્ટ પર ડ્રગ્સ, હેરોઈન, લક્ઝરી વસ્તુઓ અને હવે સિગારેટ્સની દાણચોરીના કેસોમાં સતત વધારો નોંધાયો છે. આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 199 કરોડથી વધુની કિંમતનું 310 કિલોથી વધુ સોનું દાણચોરીથી લવાતું પકડાયું છે.

અગાઉ પણ કિંમતી પેન અને વિદેશી સિગારેટ સાથે મુસાફરો ઝડપાઈ ચૂક્યા હોવાથી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દાણચોરીના બદલાતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કસ્ટમ વિભાગ દ્વારા સ્કેનિંગ અને ઇન્ટેલિજન્સ નેટવર્કને હવે વધુ મજબૂત અને સક્રિય બનાવવામાં આવી રહ્યું છે.