Ahmedabad Airport News: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવનિર્મિત ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) પરથી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી પહેલીવાર B777F સિરીઝના બે જમ્બો રેફ્રિજરેટેડ કાર્ગો ફ્રેઈટરવિમાન દ્વારા દવાનો વિશાળ જથ્થો બ્રાઝિલ મોકલવામાં આવ્યો છે. દવાની ગુણવત્તા જાળવી રાખવા માટે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવામાં આવ્યું હતું.
ખાસ એરક્રાફ્ટ પેલેટ અને 70 ચાર્જિંગવાળા કન્ટેનર
આ કાર્ગો માટે કતાર એરવેઝ દ્વારા વિશેષ રેફ્રિજરેટેડ એરક્રાફ્ટ પેલેટ (RAP) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દવાનો આ જથ્થો અમદાવાદથી દોહા થઈને બ્રાઝિલ રવાના કરવામાં આવ્યો હતો, જેમાં બંને જમ્બો વિમાનોમાં મળીને આશરે 70 ચાર્જિંગવાળા કન્ટેનરો લોડ કરવામાં આવ્યા હતા. ઈન્ટીગ્રેટેડ કાર્ગો ટર્મિનલના કોલ્ડ સ્ટોરેજ સુવિધાના ઉપયોગથી આગામી સમયમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે દવાઓનું આંતરરાષ્ટ્રીય પરિવહન વધુ આરામદાયક અને સરળ બનશે.
દવા બગડે નહીં તે માટે વિશેષ કોરિડોરની વ્યવસ્થા
દવાઓનો જથ્થો સામાન્ય કાર્ગોની જેમ ખુલ્લા વાતાવરણમાં લાંબા સમય સુધી ન રહે તે માટે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અલગ કોરિડોર અને નિયંત્રિત કાર્ગો મૂવમેન્ટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોલ્ડ સ્ટોરેજમાંથી દવાના જથ્થાને નિયંત્રિત તાપમાન હેઠળ સીધો જમ્બો કાર્ગો વિમાન સુધી પહોંચાડીને લોડ કરવામાં આવ્યો હતો.
દર વર્ષે 1.40 લાખ મેટ્રિક ટન એર કાર્ગોનું પરિવહન
નવું કાર્ગો ટર્મિનલ બન્યા બાદ અમદાવાદ એરપોર્ટ વાર્ષિક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મળીને આશરે 1.40 લાખ મેટ્રિક ટન એર કાર્ગો હેન્ડલ કરે છે. જેમાં દવાઓ, કૃષિ અને ફૂડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઈલ/ગારમેન્ટ, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ડસ્ટ્રીયલ મશીનરી તથા પેરિસેબલ કાર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેન્જરસ કાર્ગો શ્રેણીમાં લિથિયમ બેટરી ઉપરાંત માઈક્રોસોફ્ટ ચિપ કાર્ગોનું પણ સફળતાપૂર્વક હેન્ડલિંગ કરવામાં આવ્યું છે.
