Ahmedabad Heavy Rain Today, September 18: અમદાવાદ શહેરમાં આજે 18 સપ્ટેમ્બરના વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારે સાત વાગ્યા બાદ તૂટી પડેલા મુશળધાર વરસાદને કારણે માત્ર 40 મિનિટના ટૂંકા સમયગાળામાં જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઓગણજ અને જગતપુર વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાયન્સ સિટીમાં દોઢ ઈંચ, બોડકદેવ-બોપલમાં 1 ઈંચ વરસાદ
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો, સાયન્સ સિટી અને ચાંદલોડિયા વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા અને સરખેજ-મકરબા સહિતના વિસ્તારોમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, શિવરંજની, નવરંગપુરા, રાણીપ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. પશ્ચિમના ઈસ્કોન, SG હાઈવે, SP રિંગ રોડ, વેજલપુર, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર પણ કાળી ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અખબારનગર અંડરપાસ બંધ, ઉસ્માનપુરામાં પાણી ભરાયા
ભારે વરસાદથી પાણી ભરાવાના કારણે અખબારનગર અંડરપાસ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના હેલ્મેટ સર્કલ ચાર રસ્તા અને ઉસ્માનપુરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અટવાયા હતા. આ ઉપરાંત સાબરમતી, સુભાષબ્રિજ, ન્યુ રાણીપ, પાલડી, આશ્રમ રોડ, ઈન્કમટેક્સ અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ચાંદલોડિયા અને ઈન્કમટેક્સ પાસે વૃક્ષ થયા ધરાશાયી
ચાંદલોડિયા ડમરુ સર્કલ પાસે ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી છે. અમદાવાદ ઈન્કમટેક્સ પાસે આવેલી હયાત હોટલ નજીક પણ વૃક્ષ પડ્યું છે. બીજી તરફ, શહેરના પૂર્વમાં આવેલા ઇસનપુર, નારોલ, વટવા, જશોદાનગર, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, ખોખરા અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
