Ahmedabad Heavy Rain: અમદાવાદમાં ભારે વરસાદને પગલે શાળાઓ અંગે મોટો નિર્ણય: શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે આચાર્યોને નિર્ણય લેવા જિલ્લા શિક્ષણ અધિકારીની છૂટ

પરિપત્રમાં જણાવાયું છે કે દરેક શાળાએ પોતાના વિસ્તારની વર્તમાન વરસાદી સ્થિતિ, આસપાસના રસ્તાઓની હાલત, પાણી ભરાવાની ગંભીરતા અને વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા દરમિયાન ઊભા થઈ શકે તેવા સંભવિત જોખમોનું સ્થાનિક સ્તરે જાતે જ મૂલ્યાંકન કરવાનું રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 14 Sep 2026 02:58 PM (IST)Updated: Mon, 14 Sep 2026 02:58 PM (IST)
ahmedabad-heavy-rain-school-closure-decision-left-to-principals-by-district-education-officer
અમદાવાદ વરસાદ

Ahmedabad Heavy Rain Update: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત પડી રહેલા ભારે વરસાદ અને વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા એક અતિ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો તથા આચાર્યોને સ્થાનિક સ્થિતિ મુજબ શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી તેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા

જિલ્લા શિક્ષણ અધિકારી (અમદાવાદ શહેર પૂર્વ/પશ્ચિમ) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, શહેરમાં વરસાદી પરિસ્થિતિના કારણે રસ્તાઓ પર ભરાયેલા પાણી અને ટ્રાફિકની સમસ્યાને જોતાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સલામતી સાથે સમાધાન કરી શકાશે નહીં.

સ્થાનિક સ્તરે મૂલ્યાંકન કરીને નિર્ણય લેવા આદેશ

પરિપત્રમાં જણાવાયું છે કે દરેક શાળાએ પોતાના વિસ્તારની વર્તમાન વરસાદી સ્થિતિ, આસપાસના રસ્તાઓની હાલત, પાણી ભરાવાની ગંભીરતા અને વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા દરમિયાન ઊભા થઈ શકે તેવા સંભવિત જોખમોનું સ્થાનિક સ્તરે જાતે જ મૂલ્યાંકન કરવાનું રહેશે. શાળા પ્રશાસને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને શૈક્ષણિક કામગીરી યથાવત રાખવી કે રજા જાહેર કરવી તે અંગે ત્વરિત યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા અનુરોધ

જ્યાં પરિસ્થિતિ પ્રતિકૂળ હોય અને રસ્તાઓ બંધ કે પાણીમાં ગરકાવ હોય, ત્યાં વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓએ સાવચેતીના પગલારૂપે નિર્ણય લેવાનો રહેશે. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળા સંચાલકોને કડક અનુરોધ કર્યો છે કે શાળા બંધ રાખવા કે સમયમાં ફેરફાર કરવા અંગેનો નિર્ણય વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી સમયસર પહોંચાડવામાં આવે, જેથી સવારે શાળાએ આવતી વખતે કોઈપણ પ્રકારની અફરાતફરી કે મુશ્કેલી સર્જાય નહીં.