Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, વટવામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો; વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા

વાસણા બેરેજના કુલ 7 દરવાજા ખોલીને નદીમાં 9,978 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 14 Sep 2026 01:02 PM (IST)Updated: Mon, 14 Sep 2026 01:02 PM (IST)
ahmedabad-rain-report-14-september-vatva-lambha-highest-rain-vasna-barrage-update
Ahmedabad SG Highway rain file photo

Ahmedabad Rain Report, 14 September: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર, 14 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળામાં અમદાવાદ શહેરમાં સરેરાશ 49.85 મીમી એટલે કે આશરે 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ, વટવામાં 4 ઈંચથી વધુ

સવારથી બપોર સુધીમાં 6 કલાકના આ વરસાદી સ્પેલમાં શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 94.63 મીમી વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ઝોનના વિસ્તારોની વાત કરીએ તો:

  • વટવા: 4.37 ઈંચ
  • લાંભા: 4.21 ઈંચ
  • ઇન્દ્રપુરી: 3.30 ઈંચ
  • મણિનગર: 3.01 ઈંચ

આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 3.43 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સરખેજ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં 105.50 મીમી, બકરોલમાં 95 મીમી, બોપલમાં 87.50 મીમી, જોધપુર ઝોનલમાં 85.50  મીમી, સરખેજમાં 83.50 મીમી, જોધપુરમાં 81.50 મીમી અને મક્તમપુરામાં 72 મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ, સેન્ટ્રલ અને પશ્ચિમ ઝોનની સ્થિતિ

પૂર્વ ઝોન (East Zone): સરેરાશ 45.94 મીમી વરસાદ વરસ્યો છે. જેમાં રામોલમાં 85.50 મીમી, વસ્ત્રાલમાં 67.50 મીમી, વિરાટનગરમાં 53.50 મીમી અને ઓઢવમાં 52.50 મીમી વરસાદ નોંધાયો છે.

મધ્ય ઝોન (Central Zone): સરેરાશ 40.63 મીમી વરસાદ પડ્યો છે, જ્યાં દુધેશ્વરમાં સૌથી વધુ 77.50 મીમી અને કાલુપુરમાં 48.50 મીમી વરસાદ વરસ્યો છે.

પશ્ચિમ ઝોન (West Zone): સરેરાશ 37 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં વાસણામાં 74 મીમી, ટાગોર કન્ટ્રોલમાં 65.50 મીમી અને નવરંગપુરામાં 42.50 મીમી વરસાદ વરસ્યો છે.

ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ઝોન: ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 26.07 મીમી (બોડકદેવમાં 61 મીમી) અને ઉત્તર ઝોનમાં સરેરાશ 17.50 મીમી (મેમકોમાં 28 મીમી) વરસાદ નોંધાયો છે.

વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા, પાણી છોડાયું

ભારે વરસાદના પગલે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજની જળસપાટી 128.25 ફૂટ નોંધાઈ છે. ઉપવાસમાંથી પાણીની આવક અને વરસાદને પગલે વાસણા બેરેજના કુલ 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં ગેટ નંબર 25, 26 અને 27 ને 3 ફૂટ તથા ગેટ નંબર 21, 22, 23 અને 24 ને 2 ફૂટ ખોલીને નદીમાં 9,978 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.