Padma Awards 2025: કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરષ્કાર પ્રાપ્ત કરનારાઓના 30 નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ગુજરાતની પણ કેટલીક હસ્તીઓને પદ્મ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.
સમાજ સેવા માટે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સુરેશ સોની ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સામાજિક કાર્યકર છે. જેમણે કૃષ્ઠ રોગીઓની સારવાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ છે. છેલ્લા 36 વર્ષોથી તેઓ કૃષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા છે. સુરેશ સોનીએ 1988માં સાબરકાંઠા જિલ્લામાં સહયોગ નામના ગામની સ્થાપના કરી હતી. જ્યાં રક્તપિત્તથી પીડિત, દિવ્યાંગ ઉપરાંત HIVથી સંક્રમિત લોકોની સારવાર કરવામાં આવે છે.
જ્યારે પદ્મશ્રી મેળવનાર લવજી પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. જેમણે ડાંગાસિયા સમુદાયના વણકર સમાજની 700 વર્ષ જૂની ટાંગલિયા વણાટ ટેક્નિકને જાળવી રાખી છે. જે બદલ તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પદ્મ એવોર્ડ મેળવનારા અન્ય ગુજરાતીઓ જોઈએ તો, કુમુદીની લાખિયાને કલા માટે પદ્મ વિભૂષણ, વેપાર-ઉદ્યોગ માટે પંકજ પટેલને પદ્મ ભૂષણ, કલા માટે પંકજ ઉધાસને (મરણોત્તર) પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
આ ઉપરાંત સ્થાપત્ય માટે ચંદ્રકાંત સોમપુરા, સાહિત્ય અને શિક્ષણ માટે ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) અને તુષાર શુક્લાને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, પદ્મ એવોર્ડ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવી ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. આ એવોર્ડ વિવિધ ક્ષેત્રો જેમ કે કલા, સમાજ સેવા, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, વેપાર-ઉદ્યોગ, મેડિકલ, સાહિત્ય, શિક્ષણ, રમત-ગમતમાં વિશિષ્ય યોગદાન બદલ આપવામાં આવે છે.
પદ્મ પુરસ્કારોના નામની સત્તાવાર જાહેરાત પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ એવોર્ડ માટે દર વર્ષે 1 મે થી 15 સપ્ટેમ્બર દરમિયાન નોમિનેશન મંગાવવામાં આવે શે. આ પુરસ્કારોની પસંદગી વડાપ્રધાન દ્વારા રચવામાં આવેલી સમિતિ કરે છે.
