Ambalal Patel Agahi: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઠંડા પવનો ફૂંકાતા લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 28 જાન્યુઆરી સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 27 જાન્યુઆરી સુધી ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો રહેશે. જ્યારે 28 જાન્યુઆરીએ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના પરિણામે પવનના તોફાન સાથે કમોસમી વરસાદ, કરા પડવાની શક્યતા રહેશે. જેની અસરના ભાગરૂપે આગામી 30 અને 31 જાન્યુઆરી બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.
આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે અને અરબી સમુદ્રમાં પણ ભેજ રહેવાથી મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં પાંચમી ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જે બાદ 19 ફેબ્રુઆરીથી ધીમે-ધીમે ગરમીનો અનુભવ થવા લાગશે.
જો આજે ગુજરાતના તાપમાનની વાત કરીએ તો, 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું ઠંડુગાર શહેર બન્યું હતુ. આ સિવાય અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, વડોદરાનું 16 ડિગ્રી, રાજકોટમું 11.5 ડિગ્રી અને સુરતનું 17.5 ડિગ્રી નોંધાયું છે.
