Ahmedabad News:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અને "સાયબર સાથી- ચેટબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરાયું હતું. વધુમાં વિવિધ ગુન્હાઓના ભોગ બનેલા નાગરિકોનો મુદ્દામાલ મંત્રી હસ્તે સન્માનભેર પરત કરાયો હતો.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરની પોલીસ પર વિશ્વાસ રાખવા બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સુરત શહેરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમની પહેલ કરનાર પોલીસ અધિકારી શ્રી અજયકુમાર તોમરને અભિનંદન પાઠવી જણાવ્યું કે, આજે ગુજરાતભરમાં આવા કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરી નાગરિકોનો મુદ્દામાલ પરત કરવામાં આવે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિકોનો મોબાઇલ ચોરી, ઘર-ફોડ ચોરી, સોના ચાંદીના દાગીના કે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં અમદાવાદ શહેર પોલીસ ત્વરિત પગલાં લઈ નાગરિકોને ન્યાય અપાવે છે. જે અંતર્ગત છેલ્લા એક માસમાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની સુચારું કામગીરી થઈ છે.
સાયબર ચેટબોટ વિશેની વાત કરતાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા આધુનિક સોફ્ટવેર થકી અનેક ગુન્હાઓ ઉકેલી તેનું ઝડપથી નિરાકરણ લવાયું છે.
આ તકે મંત્રીએ નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે 112 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે DGP વિકાસ સહાયે ગુજરાત પોલીસ જવાનોની પ્રજાલક્ષી કામગીરી બિરદાવતા કહ્યું કે,
છેલ્લા સાત મહિનામાં 4600થી વધુ કાર્યક્રમોના માધ્યમથી રૂ.127 કરોડથી વધુનો મુદ્દામાલ પીડિત નાગરિકોને પરત સોંપાયો છે.
કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.