Shankersinh Vaghela Controversial Statement: કોંગ્રેસમાં 'ઘરવાપસી'ની ચર્ચા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિવાદમાં સપડાયા છે. જેમાં શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારામાં જનસભાને સંબોધન કરવા દરમિયાન મેલું ઉપાડવા સબંધિત ટિપ્પણી કરતાં બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે.
વાણિયા, બ્રાહ્મણ કે પટેલને મેલું ઉપાડવા બદલ મહિને રૂ. 50 હજાર આપીશ
હકીકતમાં નર્મદા જિલ્લામાં જંગલ જમીનના વિવાદને લઈને સાગબારાના ખોપી ગામમાં આયોજિત જાહેર સભાને સંબોધન કરતાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું ઘણાં લોકોને મેલું ઉપાડવાની નોકરી કરવા કહું છું, પછી ભલે તમે વાણિયા, બ્રાહ્મણ કે પટેલ કેમ ના હોવ. મેલું ઉપાડવા બદલ હું તમને મહિને 50 હજાર રૂપિયા આપીશ.
આ પણ વાંચો
પૂર્વ મુખ્યમંત્રી બાપુના આ નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે. સવર્ણ સમાજના લોકો, કર્મકાંડીઓ તેમજ વિવિધ રાજકીય નેતાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે શંકરસિંહ વાઘેલાને પોતાના નિવેદન બદલ માફી માંગવાની માંગ કરી છે.
સમાજ-સમાજ વચ્ચે લડાઈ લડાવી રહ્યા છેઃ બ્રહ્મ સમાજના અગ્રણી
શંકરસિંહ વાઘેલાના આ નિવેદનને લઈને રાજકોટના બ્રહ્મ સમાજે નારાજગી વ્યક્ત કરી છે. સમાજના અગ્રણી હિરેન જોશીએ જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા જેવા વ્યક્તિ આવું, નિવેદન આપે તે અયોગ્ય છે. પોતાના રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ સમાજ-સમાજ વચ્ચે લડાઈ લડાવી રહ્યા છે. આવી વાતોથી સમાજ-સમાજ વચ્ચે આંતર વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જો શંકરસિંહ વાઘેલા 3 દિવસની અંદર જાહેરમાં માફી નહીં માંગે, તો સવર્ણ સમાજ દ્વારા આગામી દિવસોમાં તેમના સત્તાવાર નિવાસસ્થા 'વસંત વગડો'માં જઈને દેખાવો કરવામાં આવશે.
નેક કામની શરૂઆત કરો, બાપુ મારા ઘરનું મેલું ઉપાડે તો હું રૂ. 5 લાખ આપીશ
બીજી તરફ શંકરસિંહ વાઘેલાને આડેહાથ લેતા ભાજપ નેતા યજ્ઞેન દવેએ જણાવ્યું કે, સમાજ કે જાતિઓ વચ્ચે વેર વૈમનસ્ય પેદા કરવું અયોગ્ય છે. શંકરસિંહ જે મેલું ઉપાડવાની વાત કરી રહ્યા છે, તે પ્રથા દેશમાં પહેલા જ સમાપ્ત થઈ ચૂકી છે. સરકારે આ સમાજના લોકો સન્માન સાથે જીવી શકે અને તેમને ન્યાય મળે, તે માટે ઘણું કામ કર્યું છે.
એવામાં બ્રાહ્મણ, પટેલ અને વાણીયા સમાજના લોકોને મેલું ઉપાડવા બદલ 50 હજાર રૂપિયા આપવાની શંકરસિંહની વાત તદ્દન ખોટી છે. મારે તેમને માત્ર એટલું જ કહેવું છે કે, આ નેક કામની શરૂઆત શંકરસિંહ સૌ પ્રથમ પોતાનાથી જ કરવી જોઈએ. તમે મારા ઘરનું મેલું ઉપાડો, તો હું તમને 5 લાખ રૂપિયા આપીશ.
શંકરસિંહને આવી વાહિયાત વાતો કરતા શરમ આવવી જોઈએઃ પાટીદાર નેતા
બીજી તરફ પાટીદાર નેતાઓનો પણ શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા દ્વારા ચોક્કસ સમાજને ખુશ કરવા માટે આવી ટિપ્પણી કરવામાં આવી છે. જો બાપુ પોતે મેલું ઉપાડે, તો હું તેઓ માંગે તેટલા રૂપિયા આપવા માટે તૈયાર છું.
PAAS નેતા અલ્પેશ કથીરિયાએ પણ શંકરસિંહ વાઘેલાના નિવેદનને વખોડતા જણાવ્યું કે, તેમને આવી વાહીયાત વાતો કરતા શરમ આવવી જોઈએ. તેમણે પોતાની ઉંમર પ્રમાણે મૌન રહેવું જોઈએ અને આવી વાહીયાત વાત કરવા બદલ સમાજની માફી માંગવી જોઈએ.
