Ahmedabad Shahibaug underpass closed: અમદાવાદ શહેરના વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર છે. શહેરનો વ્યસ્ત ગણાતો શાહીબાગ અંડરપાસ આજથી 7 એપ્રિલ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા સમારકામ અને જાળવણીના કામને પગલે વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
અંડરપાસ બંધ રહેવાનો સમય-કારણ
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં આવેલા શાહીબાગ અંડરપાસ નંબર 731A ખાતે સમારકામ ચાલી રહ્યું છે. જેના કારણે આજે 3 એપ્રિલથી આગામી 7 એપ્રિલ સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
આ સમયગાળા દરમિયાન અંડરપાસના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો સંપૂર્ણપણે બંધ રહેશે.શાહીબાગ અંડરપાસ બંધ રહેતા ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે:
- એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા અને એરપોર્ટ અથવા ગાંધીનગર જવા ઇચ્છતા વાહનચાલકો સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી ડફનાળા મારફતે આગળ વધી શકશે.
- એરપોર્ટ/ગાંધીનગરથી આવવા માટે: એરપોર્ટ અને ગાંધીનગરથી આવતા વાહનચાલકો પણ આ જ રિવરફ્રન્ટ માર્ગનો મહત્તમ ઉપયોગ કરી શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈ શકશે.
- કાલુપુર/દિલ્હી દરવાજા જવા માટે: અસારવા અને ગીરધરનગર થઈ દિલ્હી દરવાજા તેમજ કાલુપુર જવા માટે શાહીબાગ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
- કેન્ટોનમેન્ટ વિસ્તારનો રૂટ: ગીરધરનગર અને અસારવા તરફથી ગાંધીનગર અથવા એરપોર્ટ જવા માટે શાહીબાગ મારફતે એનેક્ષી, ગાયત્રી મંદિર અને આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી પસાર થઇ ઇન્દિરા બ્રિજ તરફ જઈ શકાશે.
આ પણ વાંચો: Ahmedabad: કેવી રીતે થયું સિવિલ લિકર પરમિટ કૌભાંડ? તંત્રએ કરી નવી પેમેન્ટ સિસ્ટમ લાગુ, જાણો...
અચાનક જાહેરનામાથી લોકોને હાલાકી
પોલીસનું જાહેરનામું અચાનક ભરબપોરે આવતા વાહનચાલકો, અને તેમાં પણ ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની હેરાનગતિમાં વધારો થયો છે. જો આ જાહેરનામું આગલી રાત્રે જારી કરવામાં આવ્યું હોત તો લોકોને સવારે જ તેની જાણ થઈ શકી હોત. ટ્રાફિક તાત્કાલિક ધોરણે ડાયવર્ટ નહીં થાય તો શાહીબાગ પોલીસ કમિશનરની કચેરી પાસે ટ્રાફિક જામ સર્જાય તેવી સંભાવના છે.
