Ahmedabad: કેવી રીતે થયું સિવિલ હોસ્પિટલ લિકર પરમિટ કૌભાંડ? તંત્રએ કરી નવી પેમેન્ટ સિસ્ટમ લાગુ, જાણો...

હવે દરેક ટેસ્ટ માટે અલગ QR કોડની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 03 Apr 2026 12:27 PM (IST)Updated: Fri, 03 Apr 2026 12:27 PM (IST)
ahmedabad-civil-hospital-liquor-permit-scam-qr-code-payment-update
HIGHLIGHTS
  • સિવિલ હોસ્પિટલ લિકર પરમિટ કૌભાંડ
  • હવેથી દરેક ટેસ્ટ માટે અલગ QR કોડ
  • એજન્સીના 3 કર્મચારી વિરુદ્ધ FIR થઈ

Civil Hospital Liquor Permit Scam: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે લાખો રૂપિયાની ઉચાપત સામે આવી હતી. જે બાદ તંત્ર દ્વારા નાણાકીય પારદર્શિતા લાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આઉટસોર્સિંગ 'વિશ્વા એજન્સી'ના કર્મચારીઓએ કરેલા કૌભાંડને પગલે હવે હોસ્પિટલમાં દરેક ટેસ્ટ માટે અલગ-અલગ QR કોડનો ઉપયોગ કરવામાં આવશે.

લાખો રૂપિયા કેવી રીતે થયા ચાઉં?

અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટથી લઈને એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેન જેવા તમામ ટેસ્ટ માટે પેમેન્ટ લેવા એક જ QR કોડનો ઉપયોગ થતો હતો. એક જ QR કોડ હોવાને કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં કયા હેડમાં કેટલી રકમ જમા થઈ તેની સ્પષ્ટતા થતી નહોતી.

આ સિસ્ટમની ખામીનો ગેરલાભ ઉઠાવીને વિશ્વા એજન્સીના 3 કર્મચારીઓએ રૂ. 1.80 લાખથી વધુની રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાના બદલે ચાઉં કરી ગયા હતા. આ મામલે એજન્સીના ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, અને હજુ પણ વધુ ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા છે.

નવી પેમેન્ટ સિસ્ટમ અને તપાસ સમિતિ

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, કૌભાંડી કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધ્યા બાદ 5 સભ્યોની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસમાં વધુ ગેરરીતિ સામે આવતા કમિટીનો રિપોર્ટ આરોગ્ય વિભાગ અને પોલીસને મોકલી દેવામાં આવ્યો છે.

હવેથી, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટ સહિત એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેનના નાણાં રોગી કલ્યાણ સમિતિમાં જ જમા થશે. પરંતુ દરેક પેમેન્ટ માટે અલગ આઈડી અને QR કોડ હશે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ફ્રોડની શક્યતા રહેશે નહીં. આ નવા નિયમો હવે અમલમાં આવશે.

પોલીસ-સિવિલ તંત્રના નિવેદનમાં વિરોધાભાસ

આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર અને પોલીસના દાવામાં વિરોધાભાસ જોવા મળ્યો છે. સિવિલ તંત્રનું કહેવું છે કે 5 સભ્યોની કમિટીનો તપાસ રિપોર્ટ પોલીસને સોંપી દેવાયો છે. જોકે, બીજી તરફ શાહીબાગ પોલીસે જણાવ્યું છે કે, તેમને FIR અને ઉચાપતની વિગતો તો મળી છે, પરંતુ તપાસ કમિટીનો કોઈ વધારાનો રિપોર્ટ હજુ સુધી પ્રાપ્ત થયો નથી.