સાણંદ તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ: મટોડામાં AAPની એન્ટ્રી, જુવાલમાં ભાજપના ઉપપ્રમુખ હાર્યા

સાણંદ જિલ્લા પંચાયતની વિરોચનનગર બેઠક પર કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 29 Apr 2026 11:10 AM (IST)Updated: Wed, 29 Apr 2026 11:11 AM (IST)
sanand-taluka-panchayat-election-results-2026-aap-entry-bjp-loss
HIGHLIGHTS
  • મટોડા બેઠક પર AAP ઉમેદવારની જીત
  • જુવાલ સીટ પર ભાજપના ઉપપ્રમુખ હાર્યા

Sanand Taluka Panchayat Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ભાજપે આ વખતે મોટી જીત નોંધાવી છે. જોકે, આ ચૂંટણીમાં કેટલાક પરિણામ પણ આવ્યા છે. સાણંદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં સ્થાનિક રાજકારણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.

સાણંદ તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ

સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મટોડા સીટથી આમ આદમી પાર્ટીની (AAP) એન્ટ્રી થઈ છે. જ્યારે સત્તાધારી ભાજપે જુવાલ અને વિરોચનનગર જેવી મહત્વની બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત વિરોચનનગર સીટ પર આ ચૂંટણીમાં પણ જીત મેળવી કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે.

મટોડા બેઠક પર AAP જીત્યું, કેજરીવાલની સભા ફળી?

સાણંદ તાલુકા પંચાયતની મટોડા સીટ પર આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે, ગત ટર્મમાં આ સીટ કોંગ્રેસ પાસે હતી. આ ચૂંટણીમાં AAP ઉમેદવાર શૈલેષભાઈ પ્રભુભાઈ સોલંકીએ 2212 મતો મેળવીને 116 મતોની સરસાઈથી ભવ્ય જીત મેળવી છે.

આ વિસ્તારના લોદરીયાળ ગામમાં ગત જાન્યુઆરી મહિનામાં AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં એક મોટી સભા યોજાઈ હતી, જેના પછી આ વિસ્તારમાં પાર્ટીનું જોર વધ્યું હતું.

જુવાલમાં ભાજપ ઉપપ્રમુખ માત્ર 20 મતે હાર્યા

ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો ફટકો જુવાલ સીટ પર રહ્યો છે. ભાજપે સાણંદ તાલુકા પંચાયતના ગત ટર્મના ઉપપ્રમુખ અને જુવાલ ગામના વતની વાસુભાઈ છેલાભાઈ ગોહિલને આ વખતે ટિકિટ આપીને રિપીટ કર્યા હતા.

જોકે, આ રસાકસીવાળી ચૂંટણીમાં તેઓ 20 મતથી હારી ગયા છે. જુવાલ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સહદેવસિંહ દીપુભાઈ સોલંકીને 1821 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર વાસુભાઈ ગોહિલને 1801 મતો મળ્યા હતા.

વિરોચનનગરમાં કોંગ્રેસની સત્તા યથાવત રહી

સાણંદ જિલ્લા પંચાયતની વિરોચનનગર બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, અને આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ત્યાં સત્તા જાળવી રાખી છે. આ સીટ સામાન્ય સ્ત્રી માટે ફાળવવામાં આવી હોવાથી, ભાજપે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હસમુખભાઈ જાદવના પત્નીને ટિકિટ આપી હતી. હસમુખભાઈએ આ સીટ પર ખૂબ પ્રચાર કર્યો હતો.

સૌની નજર આ બેઠક પર હતી. જોકે, કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદેવસિંહ મકવાણાને 10725 મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવારને 9773 મતો મળ્યા હતા. આમ, ભાજપના ઉમેદવાર અને કારોબારી ચેરમેનના પત્ની 952 મતથી હાર્યા, અને કોંગ્રેસના નંદુબેન મકવાણાએ મોટી જીત મેળવી હતી.