Sabarmati-Jodhpur Superfast Express: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની ભારે માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 20486/20485 સાબરમતી-જોધપુર-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસનું હવે જેસલમેર સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે.
કયા નવા સ્ટેશનો પર ટ્રેન રોકાશે?
ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ અને ખાસ કરીને રામદેવરા દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે આ નિર્ણય ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ ટ્રેન હવે જોધપુરથી આગળ ત્રણ નવા મુખ્ય સ્ટેશન - ઓસિયા, ફલોદી અને રામદેવરા પર રોકાણ કરશે. આ નવી વ્યવસ્થા 23 મે, શનિવારથી અમલમાં આવશે.
સાબરમતી-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 20486)
સાબરમતી-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દરરોજ સાબરમતીથી સવારે 7:00 કલાકે પ્રસ્થાન કરશે અને કોઈ પણ ફેરફાર વિના તેના રાબેતા મુજબના સમયે જોધપુર પહોંચશે. જોધપુરથી આગળ વધ્યા બાદ ટ્રેનનો સમય નીચે મુજબ રહેશે:
- ઓસિયા: બપોરે 3:59 કલાકે આગમન અને 4:02 કલાકે પ્રસ્થાન.
- ફલૌદી જંકશન: સાંજે 5:28 કલાકે આગમન અને 5:33 કલાકે પ્રસ્થાન.
- રામદેવરા: સાંજે 6:25 કલાકે આગમન અને 6:28 કલાકે પ્રસ્થાન.
- અંતે, આ ટ્રેન રાત્રે 8:30 કલાકે જેસલમેર પહોંચશે.
જેસલમેર-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 20485)
પરત મુસાફરીમાં, જેસલમેર-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દરરોજ જેસલમેરથી સવારે 6:30 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેનનું આગમન અને પ્રસ્થાન નીચે મુજબ રહેશે:
- રામદેવરા: સવારે 7:50 કલાકે આગમન અને 7:53 કલાકે પ્રસ્થાન.
- ફલૌદી જંકશન: સવારે 9:10 કલાકે આગમન અને 9:15 કલાકે પ્રસ્થાન.
- ઓસિયા: સવાર 10:02 કલાકે આગમન અને 10:05 કલાકે પ્રસ્થાન.
આ ટ્રેનનો જોધપુર અને સાબરમતી વચ્ચેનો આગમન અને પ્રસ્થાનનો સમય પહેલાની જેમ યથાવત જ રહેશે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી.
મુસાફરો આ ટ્રેનોના રોકાણ, સમય અને સંરચનાને લગતી વધુ અને વિગતવાર માહિતી મેળવવા માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
