Ahmedabad news: અમદાવાદમાં આજે ગણપતિ વિસર્જનના કારણે આજે બપોરે એક વાગ્યાથી કેટલાક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે અને તે માટે થઇને વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ મોટા પ્રમાણમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એસ.ટી. ગીતા મંદિર થી જમાલપુર બ્રિજ થી સરદાર બ્રિજ પાલડી ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. જ્યારે આ માટે વાહનચાલકોએ જમાલપુર બ્રિજથી બહેરામપુરા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રિજ થી અંજલી ચાર રસ્તાથી પાલડી જઈ શકાશે.
એસ.ટી. ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર ઇન ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે. જેના વિકલ્પમાં એસટીથી ભુલાભાઇ ચાર રસ્તાથી કાંકરિયા ચોકીથી અનુપમ સિનેમાથી સરસપુર બ્રિજને ક્રોસ કરીને રેલવે સ્ટેશન અને નરોડા તરફ જઇ શકાશે.
કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજાથી એલિસબ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેથી કાલુપુરથી આવતા વાહનચાલકોને કાલુપુર સર્કલથી આંબેડકર હોલ થઇ માણેકલાલ મિલના રસ્તાથી ઝઘડિયા ત્રીજ થઇને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા સુધી જઈ શકાશે.
કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવરબ્રીજ થઇને સારંગપુર સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ સાથે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
