Ahmedabad: ઉંમરલાયક લોકોને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર, ગેંગમાં આરોપીઓની માતા, પત્ની અને ગર્લફ્રેન્ડ જ પણ સામેલ

રામોલ પોલીસે કાર્યવાહી કરી આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અને ત્રણ મહિલા ફરાર છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Feb 2026 08:51 AM (IST)Updated: Thu, 19 Feb 2026 09:30 AM (IST)
ramol-police-arrest-three-accused-of-honey-trapped-people-in-ahmedabad
HIGHLIGHTS
  • અમદાવાદમાં હનીટ્રેપ ગેંગના આરોપી ઝડપાયા
  • ઉંમરલાયક લોકોને નિશાન બનાવતી હતી ગેંગ
  • મુખ્ય આરોપી-ત્રણ મહિલા ફરાર, શોધખોળ શરૂ

Ahmedabad Honey Trap Case: અમદાવાદમાં નિર્દોષ લોકોને હનીટ્રેપમાં ફસાવી ઠગતી ગેંગનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગમાં આરોપી સાથે સાગરીતની માતા, પત્ની અને એક મહિલા મિત્ર સામેલ હતી. આ ટોળકી મુખ્યત્વે ઉંમરલાયક લોકોને નિશાન બનાવતી અને તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નકલી પોલીસ બની રૂપિયા પડાવતી હતી. 

આ કેસ અંગે મળતી વિગત અનુસાર, પોલીસ કંટ્રોલ રૂમને હનીટ્રેપ ગેંગ અંગે એક કોલ મળતા રામોલ પોલીસ ટીમ કાર્યવાહીમાં લાગી હતી. કોલ અનુસાર વસ્ત્રાલના કર્ણાવતી એન્કલેવમાં એક વ્યક્તિને મહિલાએ રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આ વ્યક્તિ ત્યાં પહોંચ્યા ત્યારે નકલી પોલીસ બનીને ખોટા કેસમાં ફસાવવાનું કહીને 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જોકે, આ વ્યક્તિએ પૈસા ન આપતા આરોપીઓએ 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવમાં પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને આરોપી ઉપેશ સરવૈયા, હિતેન ચૌહાણ અને અસફાક શેખની ધરપકડ કરી હતી. આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પૂછપરછ કરવામાં આવી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી.

આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આ ગેંગમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપી સાથે મુખ્ય આરોપી રવિ હળવદીયા અને તેની પત્ની ગીતા ગોહિલ, આરોપી હિતેન ચૌહાણની માતા સંગીત ચૌહાણ અને અસફાકની ગર્લફ્રેન્ડ નાઝ ખાન સામેલ છે. આ તમામ આરોપીઓ સાથે મળીને હનીટ્રેપનું રેકેટ ચલાવતા હતા.

આરોપીઓ મુખ્યત્વે મોટી ઉંમરના લોકોને નિશાન બનાવતા હતા. પહેલા આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી જે તે વ્યક્તિનો કોન્ટેક્ટ કરતા. બાદમાં ધીરે ધીરે પ્રેમજાળમાં ફસાવતા અને પછી આખો ખેલ શરૂ થતો. આરોપીઓએ કર્ણાવતી એન્કલેવ ખાતે એક ફ્લેટ ભાડા પર પર રાખ્યો હતો. અહીં તેઓ વ્યક્તિને બોલાવતા ત્યારબાદ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નકલી પોલીસ બની રૂપિયા પડાવતા હતા.

ACP કુણાલ દેસાઈએ જણાવ્યું કે, મુખ્ય આરોપીએ તેની પત્ની સાથે મળીને કર્ણાવતી એન્કલેવમાં 8 મહિના અગાઉ ફ્લેટ ભાડે રાખ્યો હતો. ગેંગની મહિલાઓ લોકોને ટાર્ગેટ કરી અને મળવા ફ્લેટ પર બોલાવતી હતી. અગાઉ આરોપીઓ ઉપેશ અને રવિ સામે વિવેકાનગર તથા હિતેન સામે જામનગરમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે. ત્રણેય મહિલા ફરાર છે.