Ahmedabad Bright School Controversy: અમદાવાદ શહેરના CTM વિસ્તારની બ્રાઈટ સ્કૂલમાં ધોરણ-4ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર 'I Love U' લખેલી ચિઠ્ઠી ફેંકતા વિવાદ સર્જાયો છે. આ મામલે વર્ગ શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ વાલીએ કર્યો હતો. જે બાદ બ્રાઈટ સ્કૂલના સંચાલક અને શિક્ષિકા વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે શાળા દ્વારા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
19 સપ્ટેમ્બરે બની ચિઠ્ઠીવાળી ઘટના
રામોલ પોલીસ સ્ટેશનના PI આર. એમ. ચૌધરી અને શાળાના સંચાલકના જણાવ્યા અનુસાર, આ ઘટના 19 સપ્ટેમ્બરના રોજ સવારે બની હતી. પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા ધોરણ 4 ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર I Love U લખેલી ચિઠ્ઠી ફેંકી હતી. જોકે, વર્ગ શિક્ષિકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને તેને સંચાલકની ચેમ્બરમાં લાવવામાં આવ્યો હતો.
વાલીના આક્ષેપો અને પોલીસ ફરિયાદ
વિદ્યાર્થીના વાલીએ આક્ષેપ કર્યો કે, શિક્ષિકાએ તેમના બાળકને માર માર્યો હતો. વાલીઓએ શાળાએ પહોંચીને 2 થી 3 વખત હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ વાલીએ રામોલ પોલીસ મથક પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શાળાના સંચાલક ઈન્દ્રજીત મૌર્ય અને શિક્ષિકા સીમા ગોસ્વામી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, શાળા તંત્ર દ્વારા શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શાળા સંચાલકે કર્યો નાણાં માંગ્યાનો આક્ષેપ
શાળાના સંચાલક ઈન્દ્રજીત મૌર્યએ પોતાની સફાઈમાં જણાવ્યું કે, વિદ્યાર્થીને ચેમ્બરમાં માત્ર સામાન્ય થપાટ મારી ઠપકો આપવામાં આવ્યો હતો, અને વિદ્યાર્થી સ્વસ્થ રીતે ચેમ્બર બહાર નીકળીને દોડી રહ્યો હોવાના CCTV દ્રશ્યો પણ છે. સંચાલકે વધુમાં આક્ષેપ કર્યો કે, વાલી દ્વારા આ મામલે સમાધાન કરવા માટે રૂપિયા 25 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદમાં ઘટીને રૂપિયા 5 લાખ થઈ હતી.
સંચાલકે વધુમાં આક્ષેપ કર્યો કે, શાળાની બદનામી ન થાય તે માટે સંચાલકે બાળકને ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપવાની ઓફર કરી હતી. સામે પક્ષે વાલીએ પોતાના બંને બાળકોને ફ્રી શિક્ષણ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવાની માંગ કરી હોવાનો દાવો સંચાલકે કર્યો છે. જોકે, શાળા સંચાલકના આ આક્ષેપો અંગે વાલીનો સંપર્ક થઈ શક્યો ન હતો. હાલમાં રામોલ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
