Ahmedabad: શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ પોસ્ટ મારફતે ત્રિપલ તલાક આપી દીધા બાદ અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા છે. આ મામલે પરિણીતાએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જમાલપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીના 2013માં યુવક સાથે નિકાહ કરવામાં આવ્યા હતા. આ લગ્નજીવન થકી પરિણીતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જો કે પાછળથી પતિ-પત્ની વચ્ચે મતભેદ થવા લાગ્યા હતા. જ્યારે સાસુ અને નણંદ પર મેણાટોણા મારીને માનસિક ત્રાસ ગુજારતા હતા.
જો ફરિયાદી પરિણીતા પોતાના પિયરમાં કોઈની સાથે વાતચીત કરતી હોય, તો સાસરિયા મોબાઈલ ઝૂંટવી લેતા હતા. આટલું જ નહીં, પરિણીતા સગર્ભા હતી, ત્યારે તેની દવા કરાવવાની જગ્યાએ પિયર તગેડી મૂકી હતી. જ્યારે ફરિયાદીએ બાળકીને જન્મ આપ્યો, તો સાસરિયાઓ જોવા પણ આવ્યા હતા.
આજથી 4 વર્ષ અગાઉ સમાધાન થઈ જતાં પરિણીતા સાસરીમાં રહેવા ગઈ હતી, પરંતુ થોડા દિવસ બાદ પતિએ પોત પ્રકાશ્યું અને પોતે તેની સાથે રહેવા નથી માંગતો તેમ જણાવી દીધુ હતુ. આટલું જ નહીં, પતિએ પોસ્ટ થકી પત્નીને ત્રીપલ તલાક પણ આપી દીધા હતા. જો કે પરિણીતાએ તે સ્વીકાર્યા નહતા.
જ્યારે તેના પિયરિયા સમજાવવા ગયા, ત્યારે પતિએ કહી દીધુ કે, મેં તેને તલાક આપી દીધા છે. આથી પરિણીતાએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં અરજી આપી હતી. જે બાબતે પોલીસે તપાસ કરતાં ગયા મહિને તેના પતિએ સરખેજ વિસ્તારમાં રહેતી અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા હોવાનું સામે આવ્યું હતુ. આખરે આ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
