Rajkot TRP Gamezone Fire: ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને હાઈકોર્ટમાંથી રાહત, સસ્પેન્ડ ગણી અડધો પગાર ચૂકવવા આદેશ

RMC દ્વારા સસ્પેન્ડ કરાયેલા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 04 Aug 2026 11:53 AM (IST)Updated: Tue, 04 Aug 2026 11:53 AM (IST)
rajkot-trp-game-zone-fire-case-dismissed-officer-ilesh-kher-appeal-gujarat-high-court
Gujarat High Court

Rajkot TRP Gamezone Fire Case: રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા અધિકારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અગાઉ રાજકોટ મનપા દ્વારા ડિસમીસ કરાયેલા બે ATP (આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર) બાદ હવે શહેરના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને પણ ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે.

ડિસમીસ નહીં પણ 'સસ્પેન્ડ' ગણવા કહ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત 8 જુલાઈના રોજ અગ્નિકાંડ મામલે બેદરકારી બદલ 6 અધિકારીઓને નોકરીમાંથી બરતરફ (Dismiss) કરવાનો હુકમ કર્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ ઈલેશ ખેરે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. RMC ના આદેશ પર સ્ટે આપતા ગુજરાત હાઈકોર્ટે હવે ઈલેશ ખેરને ડિસમીસ નહીં પણ 'સસ્પેન્ડ' ગણી અને તેમનેનિયમો મુજબ અડધો પગાર ચૂકવવાનો આદેશ કર્યો છે.

કોર્ટમાં દલીલ, ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન?

અગાઉ આ જ કેસમાં ટાઉન પ્લાનિંગ વિભાગના ATP મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાહાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેમને બરતરફ કરતા પહેલા તપાસ સમિતિનો ઈન્કવાયરી રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો. આ નકલ ન મળવાને કારણે તેઓ પોતાનો બચાવ રજૂ કરી શક્યા ન હતા, જે ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. આ દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે તેમને પણ સસ્પેન્ડ ગણવા અને મનપાને નોટિસ ઈસ્યુ કરી હતી.

અન્ય અધિકારીઓ પણ જઈ શકે છે કોર્ટમાં

હાલની સ્થિતિએ રાજકોટ મહાનગરપાલિકાના 6 પૈકી 3 અધિકારી ઈલેશ ખેર અને બે ATP સસ્પેન્ડ ગણાશે અને તેમને મહિને અડધો પગાર મળતો રહેશે. અન્ય ત્રણ અધિકારી રોહિત વિગોરા (ફાયર સ્ટેશન ઓફિસર), ગૌતમ જોશી (ટાઉન પ્લાનિંગ વિભાગ) અને જયદીપ ચૌધરી (ટાઉન પ્લાનિંગ વિભાગ) પણ આગામી દિવસોમાં રાહત મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.