Gujarat High Court Judgment: માર્ગ અકસ્માતમાં પતિ ગુમાવનાર મહિલાઓના કાયદાકીય અધિકારીઓને લઈને ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, પતિના અકસ્માતમાં મોત બાદ જો પત્ની બીજા લગ્ન કરી લે, તો પણ તે અકસ્માત વળતર મેળવવાના પોતાના મૂળભૂત હકથી વંચિત થઈ શકે નહીં. વીમા કંપનીની દલીલને ફગાવતા હાઈકોર્ટે કહ્યું કે, વળતર પતિના મૃત્યુથી થયેલા આઘાત અને નુકસાનનું છે, તેને માત્ર આર્થિક નિર્ભરતા સાથે જોડી શકાય નહીં.
શું હતો સમગ્ર મામલો?
કેસની વિગતે વાત કરીએ તો, 4 ફેબ્રુઆરી 2009ના રોજ આશરે 8 વાગ્યે કમલેશ પટેલિયા અને રાયજીભાઈ પોતાની મોટરસાકલ પર જઈ રહ્યા હતા, આ દરમિયાન રીંછવાણી ગામ પાસે એક બેફામ ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારતાં કમલેશભાઈનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું.
આ દુર્ઘટના બાદ મૃતકની પત્ની કમલાબેને ગોધરા મોટરલ એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુલનલમાં વળતર માટે અરજી કરી હતી. ટ્રિબ્યુનલે તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ 29 સપ્ટેમ્બર 2017ના રોજ અરજી મંજૂર કરી હતી અને અરજદારને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
વીમા કંપનીની દલીલ અને હાઈકોર્ટનું કડક વલણ
ગોધરા ટ્રિબ્યુનલના આ આદેશ સામે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીએ વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. વીમા કંપની તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, પતિના મૃત્યુ બાદ 10 મહિનામાં જ કમલાબેને બીજા લગ્ન કરી લીધા છે, તેથી હવે તેઓ મૃતકની આવક પર આર્થિક રીતે નિર્ભર રહ્યા નથી. આ આધારે તેમને વળતર આપવું યોગ્ય નથી. જોકે, જસ્ટિસ એલ. એસ. પીરઝાદાએ વીમા કંપનીની આ દલીલને સદંતર ફગાવી દીધી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં દિલ્હી અને તેલંગાણા હાઈકોર્ટના અગાઉના મહત્વપૂર્ણ ચુકાદાઓનો પણ આધાર લીધો હતો.
હાઈકોર્ટના ચુકાદાના મુખ્ય અવલોકનો
કોર્ટે સ્પષ્ટ કર્યું કે મોટર અકસ્માત વળતરનો હેતુ માત્ર મૃતક પર પરિવારની આર્થિક નિર્ભરતા જોવાનો નથી, પરંતુ અકસ્માતમાં મૃત્યુના કારણે પરિવારને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો છે. નવું જીવન શરૂ કરવા માટે બીજા લગ્ન કરવાથી અકસ્માતમાં પ્રથમ પતિ ગુમાવવાનું દુઃખ કે નુકસાન ઓછું થઈ જતું નથી. માત્ર પુનર્લગ્નના આધારે કોઈ પણ વિધવા મહિલાનો કાયદેસરનો વળતરનો દાવો ફગાવી શકાય નહીં કે તેને વળતરથી વંચિત રાખી શકાય નહીં.
