Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્ય છે. જેમાં લગ્નનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ સચોટ કારણ વિના લગ્ન કરવાથી ફરી જવું એક મોટું ગુનાહિત કૃત્ય સાબિત થઈ શકે છે. આ મહત્વપૂર્ણ અવલોકન સાથે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની કમ્પ્યુટર એન્જિનિયર યુવકની અરજીને ફગાવી દીધી છે.
હાઈકોર્ટનું સ્પષ્ટ અવલોકન
જ્યારે આ કેસ હાઈકોર્ટમાં ગયો તો કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું કે, જો યુવકનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હોય અને તે માત્ર શારીરિક સંબંધ બાંધવાના ઉદ્દેશ્યથી યુવતીને લગ્નની ખોટી ખાતરી આપેલ હોય તો તે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 હેઠળ સજાપાત્ર ગુનો સાબિત થાય છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદની વિગત આધારે, 23 વર્ષીય યુવતી અને કમ્પ્યુટર એન્જિનિયર યુવક એક જ સમાજના હોવાથી તેઓ એકબીજાને છેલ્લા અઢી વર્ષથી ઓળખતા હતા. બંને વચ્ચેના સંબંધોની જાણ પરિવારને થતાં તેમની સંમતિ મળતા સગાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ યુવકના પરિવારમાં કોઈ સભ્યનું અવસાન થતાં તે સગાઈ મોકૂફ રાખવામાં આવી હતી.
જોકે, યુવકે ફરિયાદી યુવતીને તેની સાથે જ લગ્ન કરશે તેવી પાક્કી બાંહેધરી આપીને જાન્યુઆરી 2025ના રોજ ઉદયપુર ફરવા માટે લઈ ગયો હતો. જ્યાં બંને વચ્ચે હોટેલના રુમમાં શારીરિક સંબંધ બંધાયા હતા. ફરિયાદમાં ઉલ્લેખ મુજબ, યુવકે યુવતી સાથે ઉદયપુર પછી અમદાવાદના નિકોલની એક હોટેલમાં પણ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો.
યુવતીનો ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ
યુવતીએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, યુવકના પિતાએ લગ્ન કરવા માટે રૂ. 15 લાખની માંગણી મૂકી હતી, જેને યુવતીના પરિવારે સ્વીકારી પણ લીધી હતી. આમ છતાં, મે 2026માં જ્યારે લગ્નની તારીખ નક્કી કરવાની વાત આવી ત્યારે યુવકના પરિવારે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન યુવતી ગર્ભવતી પણ બની હતી અને 16 જૂન, 2026ના રોજ બંનેની સંમતિથી તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
