Gujarat High Court Live In Relationship: ગુજરાત હાઇકોર્ટે લગ્નના વચન અને લિવ ઈન રિલેશન સંબંધી એક કેસમાં ખૂબ જ મહત્વનો સીમાચિહ્નરુપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ કેસમાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, જ્યારે બે પુખ્ય વયના વ્યક્તિઓ એકબીજાની પરસ્પર સંમતિથી લેખિત કરાર કરીને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગે છે. ત્યારબાદ લેખિત કરારથી સ્વેચ્છાએ જ સંબંધમાંથી અલગ પડે છે. ત્યારે સાથી પુરુષ સામે લગ્નના ખોટા વચનના આધારે દુષ્કર્મનો દાવો ટકાવી શકાય નહી.
આ અંગે જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી વાચ્છાણીની બેન્ચે પૂર્વ લિવ ઈન પાર્ટનર મહિલાની અપીલને ખારીજ કરી હતી. બીજી તરફ આરોપી વ્યક્તિને નિર્દોષ છોડવાનો ટ્રાયલ કોર્ટના નિર્ણયને બહાલી આપી છે.
આ પણ વાંચો
લિવ-ઈન સંબંધનો સ્વેચ્છિક અંત
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ કે, બંને પુખ્ય વયના પક્ષકારો મહિલાના પરિવારજનોની જાણકારી સાથે અલગ ભાડાના મકાનમાં રહેતા હતા. આ દરમિયાન તેમની વચ્ચેના શારીરિક સંબંધો પણ પરસ્પર સંમતિ પર આધારિત હતા. જ્યારે કાયદાની દ્રષ્ટિએ પુખ્ય વયના બંને પક્ષકારો એકબીજાની લેખિત સંમતિથી સાથે રહ્યા હોય. બાદમાં બીજા લેખિત દસ્તાવેજથી તે સંબંધનો અંત લાવ્યા હોય. ત્યારે બળજબરી કે લગ્નના ખોટા વચનનો દાવો ટકી શકતો નથી.
કાયદા વિરુદ્ધની શરત કાયદેસર નહીં
ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં એ વાતની પણ ગંભીર નોંધ લીધી કે, લિવ ઈન કરાર વખતે પુરુષની વય 20 વર્ષ હતી અને તે 21 વર્ષનો થાય ત્યારે લગ્ન કરશે તેવી શરત મૂકાઈ હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આવી શરત જાહેર નીતિ અને કાયદાની વિરુદ્ધ હોવાથી તેને કાયદાકીય દ્રષ્ટિએ કાયદેસર ગણી શકાય નહી.
લગ્નના ખોટા વચન આધારે દુષ્કર્મ કેસ ન બને
હાઈકોર્ટે કેસનું બારીકાઈથી અવલોકન કરતાં જણાવ્યું કે, આ કેસમાં પુરુષ પક્ષકાર ઈરાદો શરુઆતથી જ અપ્રામાણિક હતો કે જાતિય લાભ મેળવવા માટે લગ્નનો ખોટો વાયદો આપ્યો તેવું સાબિત થતું નથી. બંને પક્ષકારોએ કોઈપણ ત્રીજી વ્યક્તિના દબાણ વગર જ પોતાની મરજીથી સાથે રહેવુ અને અલગ થવાનું નક્કી કર્યું હોવાથી ખોટા લગ્નના વચનના આધારે પુરુષ સામે દુષ્કર્મનો ગુનો બનતો નથી.
