Yusuf Pathan Tandalja Plot Case: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત તાંદલજા વિસ્તારમાં આવેલા 978 ચોરસ મીટરના ચર્ચાસ્પદ અને કાનૂની વિવાદમાં ઘેરાયેલા પ્લોટને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા સાંસદ યુસુફ પઠાણને સોંપવાની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ-22 (ફાઇનલ પ્લોટ 90) હેઠળ આવતા આ પ્લોટનું મૂલ્યાંકન પ્રતિ ચોરસ મીટર ₹2.10 લાખ નક્કી કર્યું છે, જે મુજબ આ જમીનની કુલ અંદાજે બજાર કિંમત ₹20.53 કરોડ થાય છે.
500 ચો.મી. જમીન ભેટમાં અને બાકીની રાહતદરે અપાશે
રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ ખાસ ફાળવણી યોજના મુજબ, કુલ 978 ચોરસ મીટર જમીનમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યારે બાકી રહેતી 478 ચોરસ મીટર જમીન વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) મૂલ્યાંકન સમિતિ દ્વારા નિર્ધારિત કિંમતના 55 ટકા દર અર્થાત 45 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રાન્સફર કરવામાં આવશે.
સરકારી પ્રસ્તાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ નિર્ણય માત્ર વિશેષ કિસ્સા તરીકે લેવાયો છે અને ભવિષ્યમાં અન્ય કોઈ કેસ માટે આને દૃષ્ટાંત તરીકે ગણવામાં આવશે નહીં. વધુમાં, મહેસૂલ વિભાગ આ જમીનના મૂલ્ય જેટલી જ અન્ય જમીન VMCને વળતરરૂપે ફાળવશે.
સ્ટેન્ડિંગ અને જનરલ બોર્ડની મંજૂરી બાદ આખરી નિર્ણય
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી મંજૂરીપત્ર મળી ગયો છે, પરંતુ નિયમાનુસાર હવે આ દરખાસ્ત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ અને ત્યારબાદ જનરલ બોર્ડની સમક્ષ આખરી મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. બોર્ડમાંથી લીલી ઝંડી મળ્યા પછી જ આગળની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લોટના વિવાદ અંગે યુસુફ પઠાણે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તાજેતરમાં જ તેમણે આ અપીલ પાછી ખેંચી લીધી હતી, જેનાથી આ ફાળવણીનો માર્ગ સરળ બન્યો છે.
