વડોદરા: માજી ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ ફરી વિવાદમાં, તાંદલજાના કરોડોના પ્લોટની ફાળવણીનો તખતો તૈયાર

વડોદરાના તાંદલજામાં આવેલા કરોડોના પ્લોટ વિવાદમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ ફરી ચર્ચામાં આવ્યા છે. રૂ. 20.53 કરોડના પ્લોટની ફાળવણી માટે VMC દ્વારા દરખાસ્ત તૈયાર કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 11:25 AM (IST)Updated: Sat, 17 Oct 2026 11:25 AM (IST)
vadodara-tandalja-plot-yusuf-pathan-vmc-standing-committee-land-row

Vadodara News: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા કરોડો રૂપિયાના જમીન પ્લોટ પરના ગેરકાયદે કબજાના વિવાદમાં ઘેરાયેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. લાંબા સમયથી અટકાયેલી અને વિવાદસ્પદ બનેલી તાંદલજાના ટીપી-22 (TP-22) સ્થિત 978 ચોરસ મીટરના પ્લોટની કાયદેસર ફાળવણી માટેનો તખતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યો હોવાના અહેવાલો જાણવા મળ્યાછે. આ પ્લોટની વર્તમાન બજાર કિંમત આશરે રૂ. 20.53 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

14 વર્ષ જૂનો વિવાદ અને કાનૂની ગૂંચ

આ વિવાદની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી, જ્યારે યુસુફ પઠાણે પોતાના નિવાસસ્થાનને અડીને આવેલા આ કોર્પોરેશનના પ્લોટની માગણી કરી હતી. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી અર્થે મોકલવામાં આવી હતી. પરંતુ, વર્ષ 2014માં રાજ્ય સરકારે નીતિ-નિયમોનું પાલન ન થતું હોવાનું દર્શાવી આ પ્લોટની ફાળવણીની દરખાસ્ત સીધી નામંજૂર કરી દીધી હતી.

સરકારની મંજૂરી ન મળવા છતાં પ્લોટ પરના કબજા અને જમીન સંબંધી બાબતોને લઈને મામલો વધુ ગંભીર બન્યો હતો અને આખરે વર્ષ 2024માં આ વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. લાંબી કાનૂની લડાઈ બાદ ઓગસ્ટ 2026માં ગુજરાત હાઇકોર્ટમાંથી આ સંબંધિત અપીલ પાછી ખેંચી લેવામાં આવી હતી.

ટૂંક સમયમાં સ્થાયી સમિતિમાં રજૂ થશે દરખાસ્ત

રાજ્ય સરકારની મંજૂરીના અભાવે અને કાનૂની પ્રક્રિયાના કારણે અટકેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા હવે ફરી એકવાર વેગ પકડી રહી છે. લગભગ ૧૪ વર્ષના લાંબા સમયગાળા બાદ, આ વિવાદિત પ્લોટની નિયમાનુસાર ફાળવણી કરવા અંગેની દરખાસ્ત ટૂંક સમયમાં જ પાલિકાની સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) સમક્ષ રજૂ કરવામાં આવશે.

એક તરફ કરોડોની કિંમત ધરાવતી સરકારી જમીન અને બીજી તરફ માજી ક્રિકેટર તથા સાંસદનું નામ જોડાયેલું હોવાથી, સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત આવતાની સાથે જ વડોદરાના રાજકારણમાં અને પાલિકાના કોરિડોરમાં ગરમાવો આવી ગયો છે.