Ahmedabad: અમદાવાદ મનપાનો સંવેદનશીલ નિર્ણય, હવે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર મળશે હડકવાની રસી

શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર હડકવાની રસી ઉપલબ્ધ રાખવાનો નિર્ણય અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Feb 2026 04:36 PM (IST)Updated: Tue, 17 Feb 2026 07:00 PM (IST)
rabies-vaccines-available-at-all-urban-health-centers-in-ahmedabad-city
HIGHLIGHTS
  • અમદાવાદ મનપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો
  • હવેથી તમામ અર્બન હેલ્થ સેન્ટર પર હડકવાની રસી મળશે
  • હડકવાની રસીમાં એક વાયલમાંથી પાંચ ડોઝ તૈયાર થાય છે

Rabies vaccine at all UHC: શહેરમાં રખડતા કૂતરાની સમસ્યા વચ્ચે કૂતરા કરડવાના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા તમામ અર્બન હેલ્થ સેન્ટર પર હડકવાની રસી આપવામાં આવશે. આ અંગે AMC હેલ્થ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ UHC પર મળશે હડકવાની રસી

અમદાવાદ મનપાની હેલ્થ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું કે, અત્યાર સુધી શહેરના 25 જેટલા અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ હોસ્પિટલમાં જ હડકવાની રસી આપવામાં આવતી હતી. જોકે, હવે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ 95 અર્બન હેલ્થ સેન્ટરમાં હવે હડકવાની રસી આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને કૂતરું કરડ્યું હોય તે તાત્કાલિક હડકવાની રસીનો પ્રથમ ડોઝ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પરથી લઈ શકશે. 

અમદાવાદ શહેરમાં જ્યારે પણ કૂતરા કરડવાના બનાવો બને છે, ત્યારે AMC સંચાલિત હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દર મહિને 7 હજાર જેેટલા લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવે છે. હડકવાની રસીના એક વાયલની કિંમત રૂ. 200 હોય છે. એક વાયલમાંથી પાંચ ડોઝ તૈયાર થાય અને પાંચ વ્યક્તિને વેક્સીન આપવામાં આવે છે.  

આપને જણાવી દઈએ કે, એક દિવસમાં હડકવાની રસીમાં એક વાયલમાંથી પાંચ જેટલા ડોઝ આપવાના હોય છે, જે એક જ દિવસમાં આપી દેવાના હોય છે. આમ, નવી વાયલ ન ખોલવી પડે તે માટે જે વ્યક્તિને બીજો ડોઝ લેવાનો હોય તેઓ અન્ય હેલ્થ સેન્ટર અથવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર, જ્યાં હડકવાની રસીનો ડોઝ ખોલવામાં આવ્યો હોય, ત્યાં જઈને લઈ શકશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023 માં 70,084, વર્ષ 2024માં 84,002 અને વર્ષ 2025 માં 83,793 તથા હાલ જાન્યુઆરી 2026 સુધીમાં 9,144 વ્યક્તિઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. આમ, વર્ષ 2023 થી જાન્યુઆરી, 2026 સુધીના સમયગાળા દરમિયાન કુલ 2,47,023 વ્યક્તિને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે.