અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેનું થશે વિસ્તરણ, 6 લેન સાથે બે લેનનો સર્વિસ રોડ; ટ્રાફીક ભારણ વધતા લેવાયો નિર્ણય

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના વિસ્તરણ માટે NHAI દ્વારા ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Feb 2026 10:31 AM (IST)Updated: Tue, 17 Feb 2026 10:31 AM (IST)
ahmedabad-vadodara-expressway-expanded-to-6-lane-due-to-traffic-load
HIGHLIGHTS
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેનું થશે વિસ્તરણ
  • આઠ લેનમાં 6 મેઈન લેન અને બે લેન સર્વિસ રોડ હશે 
  • NHAI દ્વારા ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા ટેન્ડર

Ahmedabad-Vadodara Expressway Expansion: ગુજરાતનો સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ ગણાતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1) નું ટૂંક સમયમાં વિસ્તરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક્સપ્રેસ વે 6 લેન સુધી વિસ્તારવામાં આવશે, જે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા કન્સલ્ટન્સી ફર્મ નીમવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેનું વિસ્તરણ 

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેના 93.302 કિમી લાંબા રસ્તાને ફોર લેનમાંથી આઠ લેનનો કરવામાં આવશે, જેમાં સિક્સ લેનનો મેઈન રોડ અને બે લેન સર્વિસ રોડ તરીકે હશે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ પ્રક્રિયા માટે હાલમાં જ DPR બનાવવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ટીમની નિમણૂક કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

DPR બનાવવા NHAI દ્વારા ટેન્ડર જાહેર

ગત 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ નવી દિલ્હીમાં NHAI મુખ્યાલય તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. NHAI દ્વારા જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પૂછી શકાશે અને 4 માર્ચે પ્રી-બીડ બેઠક યોજાશે. ટેન્ડર ડાઉનલોડ અને સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ, 2026 સવારે 11 વાગ્યા સુધી રાખવામાં આવી છે.

હાઈવેની બંને તરફ જગ્યા ઉપલબ્ધ

જે તે સમયની જરૂરિયાત પ્રમાણે એક્સપ્રેસ હાઈવેની પહોળાઈ નક્કી કરવામાં આવી હતી. રસ્તાને પહોળો કરવા માટે બંને તરફ અંદાજે 50-50 મીટર જગ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, NHAI પાસે માર્ગની બંને બાજુ રાઇટ ઓફ વે પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી જમીન અધિગ્રહણની મોટી જરૂરિયાત ઊભી નહીં થાય. વિસ્તરણ બાદ ટ્રાફિક જામમાં રાહત અને માર્ગ સલામતીમાં વધારો થવાની અપેક્ષા છે.

વધતા ટ્રાફિક મૂવમેન્ટને લઈને લેવાયો નિર્ણય

આપને જણાવી દઈએ કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર દરરોજ 60થી 70 હજાર વાહનની અવરજવર થાય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભવિષ્યમાં વધતા ટ્રાફિક મૂવમેન્ટ પ્રમાણે અત્યારથી જ આઠ લેનનો હાઇવે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી લાંબા ગાળે ફરી હાઈવેને પહોળો કરવાની જરૂરિયાત ન સર્જાય.

વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એક્સપ્રેસ હાઈવેને 8-લેન સુધી વિસ્તૃત કરવાની માંગ કેન્દ્ર સમક્ષ મૂકવામાં આવી હતી. આ મુદ્દે નવી દિલ્હીમાં નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બે દિવસીય ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (TDC) બેઠકમાં પણ ચર્ચા થઈ હતી.

દેશનો પ્રથમ 4 લેન એક્સપ્રેસ-વે ગણાતો

અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વર્ણિમ ચતુર્ભુજ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2004માં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો મહત્વપૂર્ણ કોરિડોર દેશનો પ્રથમ 4 લેન એક્સપ્રેસવે ગણાતો હતો.