Ahmedabad: રિક્ષાચાલકોની હડતાળ વચ્ચે AMTS વિભાગ સજ્જ, મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ પર વધારાની બસોની વ્યવસ્થા

રાણીપ એસટી બસ સ્ટેશન, ગીતામંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન સહિતના પોઈન્ટ પર વધારાની બસ મળશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 08 Sep 2026 10:52 AM (IST)Updated: Tue, 08 Sep 2026 10:52 AM (IST)
ahmedabad-amts-extra-buses-amid-auto-rickshaw-strike-amc-transit-plan
ahmedabad amts extra buses

AMTS service amid Rickshaw Strike: અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને કોઈપણ પ્રકારની પરિવહનલક્ષી મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગોતરું આયોજન કરીને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ પર વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધારાની AMTS બસોની વ્યવસ્થા

અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ બસ સ્ટેશનો અને મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ પર વિશેષ AMTS બસ, કન્ટ્રોલર અને ફ્લાઈંગ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી પહોંચી શકે. આ મુખ્ય પોઈન્ટમાં રાણીપ એસટી બસ સ્ટેશન, ગીતામંદિર પોઈન્ટ અને કાલુપુર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

કયા પોઈન્ટ પર કેટલી AMTS તૈનાત?

રાણીપ GSRTC બસ સ્ટેશન: આ સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા માટે બે કન્ટ્રોલરોને ફરજ પર મૂકવામાં આવ્યા છે, અને બે વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વધારાની બસો મુસાફરોને ઈન્કમટેક્સ, નટરાજ, પાલડી, ગીતામંદિર અને કાલુપુર જેવા મુખ્ય મથક સુધી પહોંચાડશે. આ ઉપરાંત, રાણીપ GSRTC પાસેથી પસાર થતી અન્ય રૂટની 90 બસ મુસાફરોને કાલુપુર, મણિનગર, લાલદરવાજા, વાસણા અને પાલડી સહિતના વિસ્તારો સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ સેવા પૂરી પાડશે.

સાબરમતી ધર્મનગર રેલ્વે સ્ટેશન: મુસાફરો માટે બે વધારાની બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે કાલુપુર અને મણિનગર સુધી સેવા આપશે. આ સાથે જ, અહીં એક સ્પેર ડ્રાઈવર અને ફ્લાઈંગ ટીમને પણ ફરજ પર તૈનાત રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી પસાર થતા રૂટોની કુલ 28 બસ મુસાફરોને લાલદરવાજા, વાડજ, મણિનગર અને કાલુપુર સુધી પહોંચાડશે.

વટવા રેલ્વે સ્ટેશન: વટવા રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની દેખરેખ માટે એક કન્ટ્રોલર અને બે વધારાની બસો મૂકવામાં આવી છે, જે ગીતામંદિર થઈને કાલુપુર અને મણિનગર સુધી જશે. આ ઉપરાંત, આ વિસ્તારમાંથી ઉપડતા વિવિધ રૂટોની અન્ય 8 બસો મુસાફરોને ગીતામંદિર થઈને લાલ દરવાજા સુધી પહોંચાડશે.

ગીતામંદિર ટ્રાન્ઝિટ હબ: આ અતિ મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ કેન્દ્ર પર એક ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે. ગીતામંદિર ખાતેથી પસાર થતી વિવિધ રૂટની બસો દર 15 થી 20 મિનિટના સમયગાળે (આવર્તન સેવા સાથે) મુસાફરોને શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડશે.

કાલુપુર રેલવે સ્ટેશન: કાલુપુર રેલવે સ્ટેશન ખાતે સારંગપુર કેબિન કન્ટ્રોલર બે ફ્લાઈંગ ટીમો સાથે હાજર રહેશે. મુસાફરોની ભીડ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અહીં ચાર વધારાની બસોની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, કાલુપુરથી પસાર થતા વિવિધ રૂટોની 50 થી વધુ બસો મુસાફરોને ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સહિતના વિસ્તારો સુધી પહોંચાડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા આ આગોતરા પગલાં અને પૂરતા પ્રમાણમાં બસો તથા માનવબળની તૈનાતીને કારણે ઓટો રિક્ષા ચાલકોની હડતાળ દરમિયાન પણ સામાન્ય જનજીવન અને મુસાફરોની અવરજવર પર ન્યૂનતમ અસર થશે અને શહેરીજનોને જાહેર પરિવહનની સુવિધા સુલભ રહેશે.