સદીનો સૌથી શક્તિશાળી 'સુપર અલ નીનો' સક્રિયઃ શિયાળામાં ઠંડી ઓછી અનુભવાશે, ઉનાળામાં અકળાવનારી ગરમીના એંધાણ

જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સક્રિય થયેલા 'સુપર અલ નીનો' અંગે મોટી આગાહી કરી છે. તેમના મતે, શિયાળામાં ઓછી ઠંડી અને કમોસમી વરસાદ, જ્યારે આગામી ઉનાળામાં અકળાવનારી ગરમીનો અનુભવ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Oct 2026 10:14 PM (IST)Updated: Sun, 11 Oct 2026 10:14 PM (IST)
paresh-goswami-weather-forecast-super-el-nino-2026-active-impact-on-gujarat-winter-and-summer-temperatures
Source: AI Image

Paresh Goswami Weather Forecast: પ્રશાંત મહાસાગરમાં મધ્ય અને પૂર્વ ભાગના દરિયાઈ તાપમાનમાં અસામાન્ય વધારો થતાં વર્તમાન વર્ષે સદીનો સૌથી શક્તિશાળી 'સુપર અલ નીનો' (Super El Nino 2026) સક્રિય થઈ ચૂક્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં હવામાનને લઈને મોટી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે 'અલ નીનો' તેની પીક સીઝનમાં પ્રવેશી ચૂક્યો છે. જેના પગલે ઓક્ટોબર ઉપરાંત નવેમ્બર અને ડિસેમ્બર એમ સતત ત્રણ મહિના અલ નીનો મજબૂત સ્થિતિમાં રહેશે.

મોટાભાગે દર 3 થી 5 કે સાત વર્ષે પ્રશાંત મહાસાગરમાં તાપમાન ઉંચકાતા અલનીનો સક્રિય થતો હોય છે. જો કે આ વર્ષે સામાન્ય કરતાં દરિયાઈ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયલ જેટલું ઊંચુ ગયું છે. જેના પરિણામે એક સદીમાં ના જોયો હોય, તેવો મજબૂત 'સુપર અલ નીનો' જોવા મળી રહ્યો છે.

આ 'સુપર અલ નીનો'ની નકારાત્મક અસર દક્ષિણ એશિયા તેમજ પૂર્વ આફ્રિકાના દેશોના ચોમાસા પર પડી ચૂકી છે. અનેક ભાગોમાં નબળું ચોમાસું, દુષ્કાળની સ્થિતિ તેમજ ક્યાંક ઓછો વરસાદ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

શિયાળામાં ઠંડી ઓછી અનુભવાશે, માવઠાનું પ્રમાણ વધશે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 3 મહિના દરમિયાન 'અલ નીનો' અત્યંત સ્ટ્રોંગ રહેવાનો હોવાથી શિયાળા પર તેની સીધી અસર જોવા મળશે. આ વર્ષે શિયાળા દરમિયાન ઠંડી ચોક્કસ પડશે, પરંતુ દર વર્ષની સરખામણીએ સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી જેટલી ઓછી અનુભવાશે. આ સાથે શિયાળામાં વારંવાર વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ કે માવઠાનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા છે.

આવતા ચોમાસા માટે સારા સંકેત

જાન્યુઆરી મહિનાથી 'અલ નીનો' ધીમે-ધીમે નબળો પડવાનું શરૂ થશે. જે માર્ચના અંત અથવા એપ્રિલ મહિનાની શરૂઆતમાં સંપૂર્ણ નિષ્ક્રિય થઈ જશે. જેથી આગામી ઉનાળાની શરૂઆતમાં જ ઊંચા તાપમાન અને અકળાવનારી ગરમીનો સામનો કરવો પડી શકે છે. જે બાદ આવતા ચોમાસાની ઋતુ પર 'અલ નીનો'ની કોઈ નકારાત્મક અસર નહીં જોવા મળે.