Paresh Goswami Weather Forecast: એકતરફ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બરફ વર્ષાનો માહોલ જામ્યો છે, જેના પરિણામે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના પરિણામે ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
15 નવેમ્બરે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનશે Paresh Goswami Weather Forecast
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે ઉત્તર ભારતમાં જમ્મુ-કશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધીના પહાડી વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે પહાડો પર બરફ વર્ષા ચાલુ છે. આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ બની રહી છે.
આગામી 15 નવેમ્બરના રોજ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હવાઈ લેયરો પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપરથી પસાર થઈને કચ્છ સરહદની નજીક પહોંચશે. આજ સમયે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બનીને ભેજને પોતાની તરફ ખેંચશે. જેના પરિણામે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ સક્રિય થવાથી તેની આડઅસરરૂપે 16 નવેમ્બરે કચ્છના ખડીર અને રાપર જેવા પશ્ચિમ ભાગોના સીમિત વિસ્તારોમાં માત્ર એક દિવસ માટે હળવા છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતા નહીવત છે. આ એક સામાન્ય ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન પ્રકારની વરસાદી સિસ્ટમ છે. જે 17 નવેમ્બરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈની પૂર્વ દિશા તરફ આગળ વધશે અને 18 નવેમ્બરે મ્યાનમાર અને તેની આસપાસના વિસ્તારમાં લેન્ડફોલ થઈને બીજા દિવસે સંપૂર્ણ વિખેરાઈ જશે. આથી ગુજરાત કે ભારતના અન્ય કોઈ ભૂમિભાગ પર વાવાઝોડાનું કે ભારે વરસાદનું કોઈ સંકટ નથી.
