Haridwar Yatra Fraud: ગુજરાતના મહીસાગર, દાહોદ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને 650થી વધુ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપીને ગઠિયાઓએ વ્યક્તિદીઠ રૂ. 4200 ઉઘરાવ્યા હતા, પરંતુ યાત્રાના નિર્ધારિત દિવસે જ ઓફિસોને તાળાં મારીને ફરાર થઈ જતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે.
આયોજકો દ્વારા મહીસાગરના લુણાવાડા (વરધરી રોડ), દાહોદ (ગોધરા રોડ) અને સુરેન્દ્રનગરના લીંમડી સહિતના વિસ્તારોમાં હરિદ્વાર યાત્રાની જાહેરાતના બોર્ડ અને પત્રિકાઓ વહેંચવામાં આવી હતી.
આ પત્રિકામાં જણાવ્યા પ્રમાણે, 11 નવેમ્બરથી 21 નવેમ્બર સુધીની આ યાત્રામાં 13 તારીખથી ભાગવત કથા શરૂ થવાની હતી. ભોળા નાગરિકોનો વિશ્વાસ જીતવા ઠગોએ એવી લાલચ આપી હતી કે, કથામાં બેસનાર દરેક વ્યક્તિને દરરોજ રૂ.600 લેખે ભરેલી તમામ રકમ પરત આપી દેવામાં આવશે. જાહેરાત બોર્ડ પર ડાયાજી અને અનુપસિંહ નામના શખ્સોના મોબાઈલ નંબર દર્શાવાયા હતા.
અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરના 450થી વધુ, મહીસાગરના 126 અને દાહોદના 75 જેટલા લોગો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, આ ઉપરાંત ભાવનગર અને વેરાવળમાં પણ આ જ પ્રકારે છેતરપિંડી થઈ હોવાની આશંકા છે.
યાત્રા ઉપડવાના સમયે આયોજકો ફોન સ્વિચ ઑફ કરીને ભુગર્ભમાં ઉતર્યા
11 તારીખે બપોરે ત્રણ વાગ્યે યાત્રા ઉપડવાની હતી, પરંતુ યાત્રીઓ જ્યારે નિયત સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ગાયબ હતા અને તેમના ફોન સ્વીચ ઓફ આવતા હતા. ભોગ બનનાર હર્ષદભાઈ સોલંકી અને નિર્મળાબેન પટેલે વ્યથા ઠાલવતા જણાવ્યું કે, ગઠિયાઓએ રોકડ રકમ ઉપરાંત દરેક યાત્રીના ફોટોગ્રાફ અને આધાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો પણ મેળવ્યા છે, જેનો ગેરકાયદેસર દુરુપયોગ થવાનો ભય સતાવી રહ્યો છે.
છેતરાયેલા શ્રદ્ધાળુઓએ લુણાવાડા અને દાહોદ પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજૂઆત કરી છે. પ્રાથમિક તપાસમાં મહીસાગરમાંથી નાણાં ઉઘરાવનાર શખ્સ લુણાવાડાનો હોવાનું અને અન્ય બે મુખ્ય સૂત્રધારો મહેસાણા પંથકના હોવાનું ખૂલ્યું છે. દાહોદ એ-ડિવિઝન પોલીસે પણ આ મામલે FIR નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનારાઓએ સરકાર સમક્ષ નાણાં પરત અપાવવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
